'કિરતાસ'નો બનાવ અને તેનું એહલે સુન્નતના આલિમો તરફથી અર્થઘટન

ઇતિહાસ
Typography
  • Smaller Small Medium Big Bigger
  • Default Helvetica Segoe Georgia Times

હદીસે કિરતાસ


આ બનાવની વિગત સહીહો, મુસ્નદો અને તારીખ લેખકો આ પ્રમાણે લખે છે
ચર્ચાની શરૃઆત ઈમામ બુખારીથી કરીએ, ઈમામ બુખારી પોતાની સનદો વડે ઓબયદુલ્લાહ બિન અબ્દુલ્લાહ બિન મસ્ઉદથી અને તે ઈબ્ને અબ્બાસથી રિવાયત કરે છેઃ રસુલ (સ.અ.વ.)નો અંતિમ સમય હતો, એ વેળા ઘરમાં ઘણા માણસો એકઠા થયેલા, જેમાં હ. ઉમર બિન ખત્તાબ પણ હતા.
રસુલ (સ.અ.વ.) એ ફરમાવ્યુંઃ "હું તમને એવું લખાણ લખી દઉં કે જેથી તમે મારા પછી ગુમરાહ ન થાવ."
હ. ઉમર બોલ્યાઃ "હુઝુર (સ.અ.વ.) ઉપર બિમારીનો વધારો છે, આપણી પાસે કુરઆન મૌજુદ છે અને આપણા માટે અલ્લાહની કિતાબ કાફી છે."
આ પછી જે હાજર હતા તેઓમાં વિવાદ થવા લાગ્યો. કેટલાંક કહેતા હતા કે કલમ - દવાત લાવો, જેથી હુઝુર (સ.અ.વ.) એવી વાત લખી આપે કે જેનાથી ગુમરાહીથી બચી જવાય. અને કેટલાંક હ. ઉમરે કહ્યું તેજ કહી રહ્યા હતા. (એટલે કે અલ્લાહની કિતાબ કાફી છે.)
જ્યારે આં હઝરત (સ.અ.વ.) પાસે ઘોંઘાટ વધી ગયો ત્યારે આપે કહ્યુંઃ 'અહિંથી ઉઠીને ચાલ્યા જાવ.'
અબ્દુલ્લાહ બિન મસ્ઉદના કથન મુજબ, અબ્દુલ્લાહ બિન અબ્બાસ કહેતા હતા કે 'સૌથી વધારે કરૃણ બનાવ એ બન્યો કે, લોકોએ ઘોંઘાટ અને શોરબકોર કરી હુઝુર (સ.અ.વ.)ને લખાણ કરવા દીધું નહિ.' આ જ વાત ઈમામ  મુસ્લિમ નેશાપુરીએ પોતાની કિતાબ 'સહીહ મુસ્લિમ'માં કિતાબુલ વસિય્યતના અંતમાં લખી છે.
આજ રિવાયત ઈમામ અહમદ બિન હમ્બલે ઈબ્ને અબ્બાસના શબ્દોમાં લખી છે. તદઉપરાંત અસંખ્ય હદીસવેત્તાઓએ આ હદીસ નકલ કરી છે. ઘણા મોહદ્દીસોને 'ઈન્નન નબીય્યલ યહજુર' 'નબી (સ.અ.વ.)ને સન્નેપાત થઈ ગયો છે.' શબ્દને, તેમાં બે અદબી જેવું લાગતાં 'ઈન્નન નબીય્ય કદ ગલબ અલયહિલ વજઓ' - 'હુઝુરની માંદગીમાં વધારો થઈ ગયો છે,' લખ્યું છે!! હકીકત એ છે કે હ. ઉમરે તો કશા પણ સંકોચ વગર હુઝુર (સ.અ.વ.)ના હુકમને 'હિઝયાન' (સન્નેપાત) કહ્યું હતું. પાછળ આવનારા મુહદ્દિસોએ આ શબ્દની કરાહત ઓછી કરવા માટે તેના માટે બીજા શબ્દો ઘડી કાઢ્યા.!!
અમારી આ વાતના સમર્થન માટે અલ્લામા અબુબકર અહદમ બિન અબ્દુલ અઝીઝ જવહરીની કિતાબ 'કિતાબુસ - સકીફા' વાંચી જવા ભલામણ કરીએ છીએ.
મજકુર અલ્લામા સાહેબ ઈબ્ને અબ્બાસથી રિવાયત કરે છે.
"જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)નો આખરી વખત આવ્યો, એ વખતે ઘરમાં ઘણા લોકો એકઠા થયેલા, એમાં ઉમર બિન ખત્તાબ પણ હતા. રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું મને દવાત અને કાગળ આપો, હું તમને એવું લખાણ કરી આપું કે જેથી તમે મારા પછી ગુમરાહ ન થાવ. આ સાંભળી હ. ઉમરે એક વાત કરી, જેનો અર્થ એ થતો હતો કે, અત્યારે રસુલ (સ.અ.વ.)ની માંદગીમાં વધારો થઈ ગયો છે અને આપણી પાસે 'કુરઆન' મૌજુદ છે., આપણા માટે અલ્લાહની કિતાબ કાફી છે. હાજર લોકોમાં વિવાદ થયો, કેટલાંક કહેતા હતા કે હુઝુર (સ.અ.વ.)ને 'કલમ - દવાત' આપો જેથી તેઓ લખી શકે, જ્યારે કેટલાંક જણ એ જ વાત કરતા હતા, જે હ. ઉમરે કહી હતી. જ્યારે વિવાદ અને ઘોંઘાટ વધી ગયો ત્યારે આપ (સ.અ.વ.) નારાજ થયા અને કહ્યું, 'અહિંથી ઉઠીને ચાલ્યા જાવ.' (હદીસ)
જવહરીના શબ્દો ઉપરથી તમે સમજી ગયા હશો કે 'હુઝુર (સ.અ.વ.)ની માંદગીમાં વધારો થઈ ગયો છે' શબ્દો સાવચેતી પૂર્વક એના અર્થરૃપે રજુ થયા છે, ખરી રીતે હ. ઉમરે આં હઝરત (સ.અ.વ.)ના હુકમને ચોખ્ખી રીતે 'હિઝયાન' કહીને ઠુકરાવી દીધો હતો.
આજ કારણ છે કે મોહદ્દીસો પોતાની કિતાબોમાં જ્યારે આ બનાવની રિવાયત 'હિઝયાન' શબ્દ સાથે કરે છે, ત્યારે તેમનો અકીદો રજા નથી આપતો કે 'હિઝયાન'નો આક્ષેપ મુકનાર - રસુલે ખુદા (સ.અ.વ.)ના દિમાગ (સમજ - બુદ્ધિ) ઉપર હુમલો કરનાર કોણ હતો, તેની સ્પષ્ટતા કરે. આટલે સુધી પહોંચીને બનાવમાં મુખ્ય ભાગ ભજવનારને ઉઘાડા પાડ્યા વિના ત્યાંથી આગળ વધી જાય છે!
જેમ કે ઈમામ બુખારી "કિતાબુલ જેહાદ વસ્સૈર"ના પ્રકરણ જવાએઝુલ વફદમાં લખે છે-
"ઈબ્ને અબ્બાસ કહેતા હતાઃ ગુરૃવારનો દિવસ! હાય, કેવો હતો ગુરૃવારનો દિવસ!!" આટલું કહીને એટલું રડ્યા કે એમના આંસુથી જમીન પરના કાંકરા ભીના થઈ ગયા. પછી બોલ્યાઃ "ગુરૃવારના દિવસે રસુલ (સ.અ.વ.)ને તકલીફ ઘણી વધી ગઈ હતી, આં હઝરતે ફરમાવ્યું, મારી પાસે કાગળ - કલમ લાવો, હું તમને લખાણ કરી આપું કે પછી તમે ક્યારેય ગુમરાહ ન થાવ. આના ઉપર લોકો ઝઘડવા લાગ્યા, જો કે નબી (સ.અ.વ.) પાસે ઝઘડવું યોગ્ય નથી. લોકોએ કહ્યુંઃ રસુલ (સ.અ.વ.) બકવાસ કરી રહ્યા છે, (નઉઝોબિલ્લાહ) આ પછી આં હઝરતે ફરમાવ્યું, મને મારા હાલ ઉપર છોડી દયો. તમે ધારો છો તે હાલત કરતાં બહેતર હાલતમાં છું. આં હઝરતે વફાત પહેલાં ત્રણ વસીયતો કરી. પહેલી એ કે મુશ્રિકોને અરબ દ્વીપમાંથી હાંકી કાઢવા, બીજી એ કે જે રીતે હું પ્રતિનિધી મંડળો (ડેપ્યુટેશનો) મોકલતો હતો એ રીતે મોકલવાનું ચાલુ રાખજો. ઈબ્ને અબ્બાસ કહે છે કે અને ત્રીજી વસીય્ય્ત ભુલી ગયો."
જી હાં, ત્રીજી વાત જે ભુલવાડી દેવાઈ, તે એ જ હતી જેના માટે હુઝુર (સ.અ.વ.) વફાત વખતે લખવા માગતા હતા. જેથી ઉમ્મત ક્યારેય ગુમરાહ ન થાય, એટલે કે અમીરૃલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)ની ખિલાફત.
રાજકિય શતરંજ બાજો એ, મુહદ્દીસોને, જાણી જોઈને એ વાત ભુલી જવા માટે મજબુર કર્યા! જે વિશે મુફતીએ હનફિયા શૈખ અબુ સુલૈમાન દાઉદે સ્પષ્ટતા કરી છે. આ હદીસ ઈમામ મુસ્લિમે સહીહ મુસ્લિમના 'કિતાબુલ વસીય્યત' પ્રકરણમાં સઈદ બિન જબીરે, ઈબ્ને અબ્બાસના હવાલાથી તે હદીસને એક બીજી રીતે લખી છે.
'ઈબ્ને અબ્બાસ કહેતા હતા, ગુરૃવારનો દિવસ! હાય કેવો હતો ગુરૃવારનો દિવસ! પછી એમની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા, એમના ગાલ ઉપર એવી રીતે વહેતા હતા, જાણે મોતીની માળા! ત્યાર પછી ઈબ્ને અબ્બાસે કહ્યું, રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યુંઃ મારી પાસે કાગળને દવાત લાવો, જેથી હું તમને એવું લખાણ લખી દઉં, જેના પછી તમે ક્યારેય ગુમરાહ ન થાવ. આ વખતે લોકોએ કહ્યું, રસુલ (સ.અ.વ.)ને 'હિઝયાન'૧ થઈ ગયું છે. (નઉઝોબિલ્લાહ) (હિઝયાન એટલે બકવાસ-સન્નેપાત)
'સિહાહે સિત્તા' જુઓ, આ દુઃખભર્યા વાતાવરણ ઉપર નજર નાખો, તો ખબર પડશે કે જે માણસે સૌથી પહેલાં 'હિઝયાન'ની વાત કરી તે હ. ઉમર જ હતા. એમણે જ સૌથી પહેલાં આ શબ્દો કહ્યા હતા અને ત્યાર પછી તેમના મળતીયાઓએ તેને ટેકો આપ્યો હતો.
અગાઉ તમે ઈબ્ને અબ્બાસના આ શબ્દો પહેલી હદીસમાં સાંભળી (વાંચી) ચુક્યા છો કે, 'ઘરમાં જે હાજર હતા તેઓમાં વિવાદ-ઝઘડો થયો;' કેટલાંક કહેતા હતા કે કાગળ-કલમ આપો, જેથી રસુલ (સ.અ.વ.) લખાણ કરી જાય, અને કેટલાંક હ. ઉમરનું સમર્થન કરતા રહ્યા, એટલે કે તેઓ કહી રહ્યા હતા કે રસુલ (સ.અ.વ.) હિઝયાન બકે છે!!
એક બીજી રિવાયત - જે તિબરાનીએ 'અવસત'માં હ. ઉમરના હવાલાથી લખી છે, તેમાં છે કે જ્યારે રસુલ (સ.અ.વ.) બિમાર પડી ગયા ત્યારે ફરમાવ્યું, મને કાગળને દવાત આપો કે હું એવું લખાણ કરી જાઉં, જેથી મારા પછી તમે ક્યારેય ગુમરાહ ન થાવ. આ સાંભળી પર્દા પાછળથી સ્ત્રીઓએ કહ્યું, તમે સાંભળતા નથી, રસુલ (સ.અ.વ.) શું કહી રહ્યા છે? મેં (હ. ઉમરે) કહ્યું, તમે હ. યુસુફવાળી સ્ત્રીઓ છો, જ્યારે રસુલ (સ.અ.વ.) બિમાર પડે છે ત્યારે રડાકૂટ કરી મૂકો છો અને જ્યારે તંદુરસ્ત હોય છે ત્યારે તેની ગરદન ઉપર સવાર થઈ જાવ છો.!
રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું, સ્ત્રીઓને જવા દો, એ તમારી કરતાં સારી છે.૨
આ વાતથી તમે સમજી શકો છો કે સહાબાએ રસુલ (સ.અ.વ.)ની આજ્ઞા માની નથી. જો હુઝુર (સ.અ.વ.)ની વાત માની હોત, તો હંમેશ માટે ગુમરાહીથી બચી જાત.
કાશ! રસુલે ખુદા (સ.અ.વ.)ની વાત ન માનતે - વાત ઉડાવી દેતે, પણ આવો જવાબ તો નહોતો આપવો કે હસ્બોના કિતાબુલ્લાહ - અમારા માટે અલ્લાહની કિતાબ કાફી છે.
આ શબ્દોથી તો એમ લાગે છે કે મઆઝલ્લાહ જાણે રસુલ (સ.અ.વ.) જાણતા જ નહોતા કે અલ્લાહની કિતાબ મુસલમાનો માટે કેટલી મહત્વની છે! અથવા સહાબાએ કેરામ અલ્લાહની કિતાબના રહસ્યો તેના ફાયદાઓ વગેરે રસુલે ખુદા (સ.અ.વ.)થી વધારે જાણતા હતા!! (મઆઝલ્લાહ)
કાશ! આટલેથી જ અટકી ગયા હોત, રસુલ (સ.અ.વ.)ના દિમાગ - શુધબુધ ઉપર હુમલો ન કર્યો હોત કે રસુલ (સ.અ.વ.) હિઝયાન બકે છે.!! આવા શબ્દો બોલી હુઝુર (સ.અ.વ.)ને આઘાત ન પહોંચાડ્યો હોત!!
રસુલે ખુદા (સ.અ.વ.) થોડીવારના મહેમાન હતા, આવી સ્થિતિમાં આવી તકલીફ આપવી કેટલી યોગ્ય છે? કેવી કેવી વાતો કહીને રસુલ (સ.અ.વ.)ને રૃખ્સત કરી રહ્યા હતા!!
જાણે અલ્લાહની કિતાબનું આ સ્પષ્ટ એઅલાન સાંભળ્યું જ નહોતુંઃ મા આતાકોમુર રસુલો ફખોઝુહો વ મા નહાકુમ અન્હો ફન્તહુ...- રસુલ તમને જે કંઈ આપે તે લઈ લ્યો અને જેની મનાઈ કરે તેનાથી દૂર રહો.
(સુરા ૫૯, આયતઃ ૭)
રસુલે કરીમ (સ.અ.વ.) ઉપર હિઝયાનનું આળ મુકતી વખતે કુરઆને મજીદની આ આયત ભુલી ગયા હતાઃ ઈન્નહુ લ કવલો રસુલો કરીમીન ઝી-કુવ્વતિન ઈન્દ ઝીલ અર્શે મકીનીમ મોતાઈન સમ્મ અમીનીંવ મા સાહેબોકુમ બે મજનૂન - નિસંશય આ (કુરઆન) એક માનવંત મોકલેલા (જીબ્રઈલ) એ પહોંચાડેલો સંદેશો છેઃ જે અર્શના માલિકને ત્યાં શક્તિશાળી અને માનવંત છે; ત્યાં ફરિશ્તાઓ તરફથી તેની તાબેદારી કરવામાં આવે છે. વળી તે (મહા) વિશ્વાસુ પણ છે અને (હે મક્કાવાસીઓ) તમારો સાથી (મોહમ્મદ સ.અ.વ.) દીવાનો નથી.
(સુરા ૮૧, આયતઃ ૧૯ - ૨૨)
શું રસુલ (સ.અ.વ.)ના કૌલને હિઝયાન કહેનારાઓએ આ આયત નહોતી પઢી? ઈન્નહુ લ - કવલો રસુલિન કરીમીન વ મા હોવ બે કવલે શાએરિન કલીલમ મા તુઅમેનૂન વલા બે કવલે કાહેનિન કલીલમ મા તઝક્કરૃન તન્ઝીલુમ મિર રબ્બિલ આલમીન - ખચિતજ આ (કુરઆન) એક માનવંત ફરિશ્તાએ લાવેલો સંદેશો છે; અને આ કાંઈ કવિના શબ્દો નથી, પણ તમે લોકો ઘણો થોડો વિશ્વાસ રાખો છો; અને ન આ કોઈ જ્યોતિષની (કલ્પીત) વાતો છે, (પરંતુ) તમે લોકો ઘણો થોડો વિચાર કરો છો. આ (કુરઆન) તો તમામ જગતના પરવરદિગાર તરફથી ઉતારવામાં આવ્યું છે. (સુરાઃ ૬૯, આયતઃ ૪૦ - ૪૩)
રસુલ (સ.અ.વ.)ના કૌલને ઠુકરાવનારાઓએ કુરઆને મજીદની આ આયત વાંચી નહોતી? વન્નજમે એઝા હવા મા ઝલ્લ સાહેબોકુમ વ મા ગવા વ મા યન્તેકો અનિલ હવા ઈન હોવ ઈલ્લા વહ્યુંય યૂહા - કસમ છે સિતારાની જ્યારે તે નમ્યો. તમારો સાથી (મોહમ્મદ) ન આડે માર્ગે ગયો છે ન તેણે ભૂલ કરી છે. તે પોતાના મનની ઈચ્છાથી કંઈ બોલતો નથી, (પણ) તે જે કંઈ કહે છે તે તેને 'વહી' કરવામાં આવે છે. બીજું કાંઈ નથી.
(સુરાઃ ૫૩, આયતઃ ૧ - ૪)
તદઉપરાંત કુરઆનમાં એવી બીજી આયતો છે કે જે ચોખ્ખે ચોખ્ખું બતાવે છે કે રસુલ (સ.અ.વ.) નકામી અને નિરર્થક વાતો કરવાથી ક્યાંય દૂર છે, તે આવી વાતોથી પાક અને પવિત્ર છે. આ સિવાય આપણી સામાન્ય બુદ્ધિ પણ, રસુલ (સ.અ.વ.)થી નિરર્થક વાતો થવી સંભવિત માને છે.
સાચી વાત - મૂળ હકીકત એ છે કે સહાબા સારી રીતે જાણતા હતા કે હુઝુર (સ.અ.વ.) હઝરત અલી (અ.સ.)ની ખિલાફતની વાત પાકી કરી નાખવા માગતા હતા, આપ (સ.અ.વ.)એ હઝરત અલી (અ.સ.)ની જાનશીની વિશે આજ લગી જે એઅલાનો અને જાહેરાતો કરી હતી, તેને લેખિત સ્વરૃપ આપવા માગતા હતા. એટલે જ હ. ઉમરે અને એમના સાથીઓએ હુઝૂર (સ.અ.વ.)ની વાતને કાપી નાખી. આ કંઈ અમારી જ કલ્પના કે અટકળ નથી, બલ્કે આ હકીકત છે જેનો સ્વિકાર હ. ઉમરે, અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ પાસે કર્યો હતો.૩
જો તમે રસુલ (સ.અ.વ.)ના શબ્દોઃ "મને કાગળ ને કલમ આપો, જેથી હું એવું લખાણ કરી દઉં કે જેના સબબે તમે મારા પછી ક્યારેય ગુમરાહ ન થાવ." અને હદીસે સકલૈનમાંના શબ્દોઃ "તમારી વચ્ચે બે મહા ભારી વસ્તુઓ મૂકી જાઉં છું, જો તમે એને વળગી રહેશો તો મારા પછી ક્યારેય ગુમરાહ નહિ થાવ, એક અલ્લાહની કિતાબ છે અને બીજી મારી ઈત્રત." આના ઉપર ધ્યાન આપશો, તો સમજાઈ જશે કે બંને હદીસોનો હેતુ એક જ હતો.

પયગમ્બર (સ.અ.વ.)એ
બળજબરીએ લખાણ કેમ ન કર્યું?

હ. રસુલે ખુદા (સ.અ.વ.)એ માંદગીની હાલતમાં 'કાગળ-કલમ' એટલા માટે માગ્યા હતા કે હદીસે સકલૈનના ઉદ્દેશને લેખિત રૃપ આપી દે.
અહિં એક સવાલ પૈદા થાય છે કે રસુલ (સ.અ.વ.)એ લોકોના વિવાદ-મતમતાંતરની પરવા કર્યા વગર લખાણ કેમ ન લખી નાખ્યું, અને ગુરૃવારથી લઈને પોતાની વફાતના દિવસ એટલે કે સોમવાર સુધી કેમ મુલતવી રાખ્યું?
આ સવાલનો જવાબ એ છે કે, લખાણ ન લખવાનું કારણ હ. ઉમર અને એમના સાથીઓના એ શબ્દ હતા, જે બોલીને હુઝૂર (સ.અ.વ.)ને દુઃખ આપ્યું હતું. આ શબ્દો સાંભળીને જ રસુલે ખુદા (સ.અ.વ.)એ લખાણ ન કર્યું, કેમ કે એ એટલા બધા સખત શબ્દો હતા કે જે સાંભળ્યા પછી લખાણ કરવાનોે કશો ફાયદો નહોતો. માની લઈએ કે આપ લખી પણ જાતે, તો ફિત્નો ઔર વધી જાત અને મતભેદની ખાઈ વધારે ઉંડી થઈ જાત.
જો રસુલ (સ.અ.વ.) લખીને જાત, તો આ જ લોકો કહેતે કે આનું કશું મહત્વ નથી, આ તો હિઝયાન (સન્નેપાત)ની હાલતમાં લખવામાં આવ્યું છે!!!
જે લોકોેએ રસુલ (સ.અ.વ.)ની હયાતીમાં - તેમની રૃબરૃમાં તેમની આજ્ઞાને 'હિઝયાન' કહી હતી, તેઓ વફાત પછી આ લખાણને થોડા સ્વિકારવાના હતા?!
જો રસુલ (સ.અ.વ.) પોતાની વાતનો આગ્રહ રાખતે અને લખાણ લખી નાખતે, તો તેઓ (હ. ઉમર) અને તેમના સાથીઓ રસુલ (સ.અ.વ.)ના લખાણને 'હિઝયાન' સાબિત કરવા માટે પોતાની બધી શક્તિ ખર્ચી નાખતે અને હિઝયાનના સમર્થનમા કંઈ કેટલીય કિતાબો લખાતે, ચર્ચાઓ થાતે, વાદવિવાદ થાતે અને આ લખાણને અસરહીન બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવામાં આવત.
એટલે જ હકીમે ઈસ્લામની સંપૂર્ણ - પુખ્ત બુદ્ધિએ નક્કી કર્યું કે લખાણ કરવાનોે વિચાર જ પડતો મૂકી દેવો. જેથી રસુલ (સ.અ.વ.)ની સામે થનાર અને એમના સાથીઓને આપની નબુવ્વત ઉપર આળ કે આક્ષેપ મુકવાની તક જ ન મળે.
આ સાથે રસુલે ખુદા (સ.અ.વ.) જાણતા હતા કે હઝરત અલી (અ.સ.) અને એમના મોહિબ્બો આ લખાણના હેતુ - આશય ઉપર અમલ કરવાના જ છે, પછી લખાણ કરવામાં આવે કે ન આવે. અને વિરોધીઓ માટે પણ લખી દેવામાં આવે, તો તેઓ ન એને માનવાના છે, ન એના ઉપર અમલ કરવાના છે.
'કિરતાસ'નો બનાવ અને તેનું
એહલે સુન્નતના આલિમો તરફથી અર્થઘટન
જ્યારે અલ્લામા સય્યદ અબ્દુલહુસૈન શરફુદ્દીન આમેલીએ હદીસે કિરતાસની વિગત, 'જામેઅએ અઝહર' (મિસ્ર)ના એ વખતના વાઈસ ચાન્સલર અલ્લામા શૈખ સલીમ અલ બશરીને લખી મોકલી ત્યારે તેમણે ઓલમાએ એહલે સુન્નત તરફથી કરવામાં આવતું અર્થઘટન અને તેની સાથે પોતાનો ચુકાદો પણ લખી મોકલ્યો.
વાંચકોની જાણ માટે મૌસુફ (શૈખ સલીમ અલ - બશરી)નો જવાબ અને એ જવાબ ઉપર તેમનો પોતાનો અસંતોષ એમના જ શબ્દોમાં અહિં લખીએ છીએ. (આ પત્ર વહેવાર 'દીને હક' કિતાબમાં વાંચવા મળી શકશે.)
"કદાચ આં હઝરતે જ્યારે 'કલમ - કાગળ' લાવવાનો હુકમ કર્યો હતો ત્યારે આપ (સ.અ.વ.) કશું લખવા માગતા નહોતા, ખરી રીતે આપ પરિક્ષા કરવા માગતા હતા. સામાન્ય સહાબીઓને આ વાત સમજાઈ નહિ, પણ હ. ઉમર સમજી ગયા કે આપ (સ.અ.વ.) અમને અજમાવવા માગે છે, એટલે તેમણે સહાબીઓને 'કલમ - દવાત' લાવતા અટકાવ્યા. હ. ઉમરને આ મનાઈ કરવાની અલ્લાહ તરફથી મળેલી તૌફીક સમજવી જોઈએ. અને એને એમની એક કરામત ગણવી જોઈએ.
પરંતુ ઈન્સાફની વાત તો એ છે કે રસુલ (સ.અ.વ.)નું ફરમાનઃ 'લન તઝિલ્લુ બઅદી - તમે મારા પછી ક્યારેય ગુમરાહ નહિ થાવ.' ઉપરોક્ત જવાબને વ્યાજબી નથી ઠેરવતું. કેમ કે હુઝૂરે અકરમ (સ.અ.વ.)નો આ બીજો જવાબ છે કે, જો તમે 'કાગળ - કલમ' લાવશો, અને હું તમારા માટે લખાણ લખી દઈશ, તો તમે મારા પછી ગુમરાહ નહિ થઈ શકો.
અને આ વાત કંઈ માત્ર ઈમ્તેહાન લેવા - અજમાવવા માટે કરવી - ભવિષ્યની ખબર આપવી ઉઘાડું જુઠ છે, આવી વાતો નબીઓના કલામથી પાક હોવી જરૃરી છે. આવા પ્રસંગે કલમ - દવાત લાવી આપવા, ન આપવા કરતાં બેહતર હતું.
આ સિવાય આ જવાબ બીજી પણ ઘણી રીતે વાંધાજનક છે. માટે આ જવાબ સાચો નથી. આ માટે બીજું કોઈ બહાનું બતાવવું જોઈએ. આ પ્રસંગે બચાવ કરવા માટે વધારેમાં એમ કહી શકાય કે, રસુલ (સ.અ.વ.)એ કાગળ - કલમ લાવવા માટે જે હુકમ આપ્યો હતો તે એવો અત્યંત આવશ્યક કે જરૃરી નહોતો કે જેના માટે વધારે ખુલાસો ન માગી શકાય. આ હુકમ એક સલાહ-મશ્વેરા રૃપે હતો. ઘણીવાર એવું બન્યું હતું કે સહાબા કેટલાંક એહકામ વિશે હુઝુરને ફરીથી પુછી લેતા હતા, વધારે જાણકારી મેળવતા હતા,- ખાસ કરીને હ. ઉમર તો ઘણા વધારે.
તેમને પોતાના સંબંધે ખાત્રી હતી કે તેઓ મસ્લેહતને વધારે સારી રીતે જાણે - સમજે છે. અને તેઓ અલ્લાહની તૌફીકને પાત્ર છે. વળી એમને એનીય ખાત્રી હતી કે તેમનું ગુમાન - અટકળ ખોટું નથી હોતું.
એટલે જ હ. ઉમરે ઈચ્છયું કે રસુલે ખુદા (સ.અ.વ.)ને તકલીફ ન પડે, કેમ કે રસુલ (સ.અ.વ.) પહેલેજ કષ્ટ ભોગવી રહ્યા હતા, આવી સ્થિતિમાં જો લખવા બેસી જાત, તો કષ્ટમાં ઔર વધારો થાત. માટે જ હ. ઉમરે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા, તેમનો મત હતો કે કાગળ - કલમ ન લાવવા - ન આપવા બહેતર છે.
આ ઉપરાંત હ. ઉમરને એવો ડર હતો કે રસુલ (સ.અ.વ.) ક્યાંક એવી વાતો ન લખી નાખે કે જે બજાવી લાવવા માટે લોકો મજબુર થઈ જાય, (બજાવી ન શકે) અને રસુલ (સ.અ.વ.)ના લખાણ ઉપર અમલ ન કરવાથી સજાને પાત્ર બને. કેમ કે રસુલ (સ.અ.વ.) જે કંઈ લખી જાત તે ખાસ પ્રકારે અંતિમ જાતનો હુકમ લેખાત, તેમાં પછી 'ઈજતેહાદ' કરવાની ગુંજાઈશ ન રહેત.
અથવા પછી હ. ઉમરને મુનાફિકોનો ભય હતો કે ક્યાંક એવું ન થાય કે રસુલ (સ.અ.વ.)ના લખાણ ઉપર મુનાફિકો એઅતેરાઝ કરી બેસે, કેમ કે આ લખાણ રસુલ (સ.અ.વ.)એ માંદગીની સ્થિતિમાં લખેલું હોત, એટલે તેનાથી મોટો ફિત્નો ઉભો થવાનો અંદેશો હતો. માટેજ હ. ઉમરે કહ્યું હતુંઃ હસ્બોના કિતાબુલ્લાહ - અમને અલ્લાહની કિતાબ કાફી છે. વળી હસ્બોના કિતાબુલ્લાહનું સમર્થન કુરઆને મજીદની આ આયતોથી પણ થાય છે.
મા ફર્રત્ના ફી કિતાબે મિન શયઈન - અમે એવી કોઈ પણ વસ્તુ નથી છોડી દીધી કે જે કિતાબમાં બયાન ન કરી હોય.
(સુરા ૬, આયતઃ ૩૮)
ઉપરાંત આ પણ અલ્લાહનો ઈરશાદ છેઃ અલ યવ્મ અકમલ્તો લકુમદી નકુમ - આજના દિવસે મેં તમારા દીનને સંપૂર્ણ કરી દીધો છે.
એટલે જ હ. ઉમર નચિંત હતા કે ઉમ્મત ક્યારેય ગુમરાહ નહિ થાય. કેમ કે ખુદાએ દીનને કામિલ (સંપૂર્ણ) કરી દીધો છે અને ઉમ્મત ઉપર પોતાની નેઅમતોય પુરી કરી ચુક્યો છે.
આ આયતોના લીધે ઉમ્મતના ગુમરાહ થવાનો અંદેશો નહોતો. એટલે જ હવે બીજા કોઈ લખાણની જરૃરત રહેતી નથી.
આ એ લોકોના જવાબો છે અને તે નબળા - કમઝોર અને હલકા પ્રકારના છે તે આપથી છુપું નથી. કેમ કે રસુલે ખુદા (સ.અ.વ.)ના શબ્દોઃ લન તઝિલ્લુ બઅદી- (જેથી તમે ક્યારેય ગમુરાહ ન થઈ શકો.) બતાવે છે કે આપનો હુકમ અંતિમ અને તાકીદી હતો.
આવા કામમાં કે જે ગુમરાહીથી બચવાનું સાધન હોય, શક્તિ હોવા પછી તેના બજાવી લાવવા માટે કોશિશ કરવી 'વાજીબ' અને 'લાઝિમ' છે.
વળી આં હઝરત (સ.અ.વ.)ને હ. ઉમરના એ શબ્દો માઠા લાગવા - તેનાથી દુઃખી થવું, લોકોએ તેમની આજ્ઞા ઉપર અમલ ન કરવો અને પછી હઝરતે કહેવું કે 'મારી પાસેથી ઉઠીને ચાલ્યા જાવ,' આ વાત દલીલ છે કે આપે કલમ - કાગળ લાવવાનો જે હુકમ આપ્યો હતો તે 'વાજીબ' અને 'લાઝિમ' હતો, સલાહ-મશ્વેરા માટેનો નહોતો.
કોઈ એમ કહે કે લખાણ કરવું વાજીબ ને લાઝિમ હતું તો થોડાંક લોકોના વિરોધ કરવાથી આપે મુલતવી કેમ કરી દીધું? કાફરો આપની તબ્લીગના વિરોધી હતા છતાં આપે તેઓના વિરોધની પરવા કર્યા વગર તબ્લીગનું કામ ચાલુ રાખ્યું હતું, એજ રીતે કેટલાંક લોકો કાગળ - કલમ લાવવાના વિરોધી હતા, તો આપ તેના વિરોધની દરકાર કર્યા વગર લખાણ કરી શકતા હતા, પણ આપે આમ શા માટે ન કર્યું?
આના જવાબમાં કહીશ કે જો તમારી આ ટીકા - એઅતેરાઝ સહીહ - વ્યાજબી પણ હોય, તો તેનું પરિણામ વધારેમાં વધારે એ નીકળી શકે કે રસુલ (સ.અ.વ.) ઉપર લખાણ કરવું વાજીબ નહોતું. બનવાજોગ છે કે રસુલ (સ.અ.વ.) ઉપર લખાણ કરવું વાજીબ ન હોય, પણ હાજર રહેલા લોકો ઉપર 'કલમ - દવાત' લાવવું તો વાજીબ હતુંને, કેમ કે ઈતાઅતે રસુલ (સ.અ.વ.)નો તકાઝો હતો કે 'કલમ - દવાત' લાવવામાં આવે, વળી રસુલે ખુદા (સ.અ.વ.)એ તેનો ફાયદો પણ બતાવી દીધો હતો કે આનાથી ગુમરાહીથી બચી જશો અને હંમેશ માટે 'રાહે રાસ્ત - સીધા રસ્તા' ઉપર બાકી રહેશો. 'ફિકહ'નો સિદ્ધાંત - નિયમ છે કે અમ્રનો વુજૂબ (આજ્ઞાનું વાજીબ હોવું), જેને હુકમ કરવામાં આવ્યો છે તેના ઉપર હોય છે, નહિ કે હુકમ આપનાર ઉપર; અને ખાસ કરીને જ્યારે કે હુકમ ઉપર અમલ કરનારને તેનો ફાયદો મળી રહ્યો હોય.
માટે આ નિયમ મુજબ ચર્ચા એની થશે કે હાજર રહેલાઓ ઉપર હુકમ બજાવી લાવવો વાજીબ હતો કે નહિ? એની ચર્ચા નહિ થાય કે રસુલ (સ.અ.વ.) ઉપર લખાણ કરવું વાજીબ હતું કે નહિ?
આ સિવાય એ પણ શક્ય છે કે, રસુલ (સ.અ.વ.) ઉપર લખવું તો વાજીબ હતું, પણ લોકોના વિરોધ અને એવું કહેવાથી કે રસુલ (સ.અ.વ.) 'હિઝયાન' બકે છે, રસુલ (સ.અ.વ.) ઉપર વાજીબ હોવું સાકિત થઈ ગયું હોય.
આ પરિસ્થિતિમાં જો રસુલ (સ.અ.વ.) લખી પણ આપતે, તો ફિત્ના - ફસાદમાં વધારોે થતે અને જે વાત ફિત્નાનું કારણ બને, તે રસુલ (સ.અ.વ.) ઉપર કઈ રીતે વાજીબ થઈ શકે છે?
કેટલાંકોએ એવો બચાવ કર્યો છે કે, હ. ઉમર હદીસનો આશય સમજી શક્યા નહોતા. તેમની સમજમાં ન આવ્યું કે એ 'લખાણ' ઉમ્મતની દરેક વ્યક્તિ માટે ગુમરાહીથી બચવા માટેનું એવું સાધન કઈ રીતે બની શકે કે ચોક્કસ પ્રકારે કોઈ પણ વ્યક્તિ ગુમરાહ ન થાય!!
હ. ઉમરે, લન તઝિલ્લુ બઅદી- તમે મારા પછી ક્યારેય ગમુરાહ નહિ થાવ-નો આ અર્થ લીધો કે, તમે બધા - સૌ ગુમરાહી ઉપર એકત્ર નહિ થાવ, અને હ. ઉમર પહેલેથી જાણતા હતા કે ગુમરાહી પર ઉમ્મત ક્યારેય એકત્ર નહિ થાય. એટલે એમણે રસુલ (સ.અ.વ.)ના લખાણને નિરર્થક ગણ્યું અને કલ્પી લીધું કે હુઝૂર (સ.અ.વ.) લાગણી - પ્રેમના કારણે લખાણ લખવા માગે છે, આ વિચારથી હ. ઉમરે આપને ઉપરનો જવાબ આપ્યો.
હ. ઉમરના તીખા સ્વભાવ અને ઉતાવળીયાપણાના બચાવરૃપે આવી વાતો કરવામાં આવી છે.
પરંતુ હકીકત એ છે કે જો ઉંડાણપૂર્વક જોવામાં આવે, તો આ બધા જવાબો અને તેના બચાવ અત્યંત હલકા અને ખોટા છે. કેમકે રસુલે ખુદા (સ.અ.વ.)નું લન તઝિલ્લુ બઅદી- કહેવું, આ વાતની મજબુત દલીલ છે કે આ હુકમ 'વાજીબ' સિવાય બીજું કંઈ નહોતો.
રસુલે ખુદા (સ.અ.વ.)નું આ લોકો ઉપર ગુસ્સે થવું, પણ દલીલ છે કે સહાબાએ એક વાજીબ કામને તર્ક કર્યું છે. માટે સૌથી સારો જવાબ એ છે કે આ બનાવ સહાબાની સીરતને યોગ્ય નહોતો- તેમને શોભતો નહોતો. આમાં સહાબાની ખરેખર ભૂલ થઈ છે.
શૈખુલ અઝહરનો (આયતુલ્લાહ અબ્દુલહુસૈન શરફુદ્દીન આમિલીને લખેલો) પત્ર આપે વાંચ્યો. મૌસૂફ અલ્લામાએ હ. ઉમરના કાર્યની ચોખ્ખા શબ્દોેમાં ટીકા કરી છે.
ઉપરના પત્રના જવાબમાં અલ્લામા અબ્દુલ હુસૈન શરફુદ્દીન આમિલીએ વધારે હુજ્જત તમામ કરવા અને બાતિલના ખંડનરૃપે એક પત્ર લખ્યો, જે અમે અહિં વાંચકો માટે ઉતારીએ છીએ.
'આપના જેવા વિદ્વાન માણસને એ જ શોભે છે કે સત્ય અને વ્યાજબી વાત ઉચ્ચારે.
કિરતાસના (કાગળ - કલમના) બનાવ વિશે આપે આપના પંથના આલિમોના ખુલાસાઓ - બચાવો -નું ખંડન કર્યું. કિન્તુ આ બચાવ અને ખુલાસાઓના ખંડનમાં ઘણી વાતો રહી ગઈ છે. ઈચ્છા થાય છે કે એ પણ લખી નાખું, જેથી આપ પોતે જ આ પ્રશ્ન સંબંધે ચુકાદોે આપી શકો - નિર્ણય લઈ શકોે.
પહેલા તો એ વાત કહેવામાં આવી કે હુઝુર (સ.અ.વ.) માત્ર અજમાવવા માગતા હતા - સહાબાની પરિક્ષા કરવા માગતા હતા, ખરી રીતે કંઈ લખવા માગતા નહોતા.
આપે મજકુર બહાનાનો જવાબ ઘણી સારી રીતે આપ્યો છે. હું કહું છું કે આ બનાવ એ સમયનો છે કે જ્યારે આં હઝરત (સ.અ.વ.)નો છેલ્લો વખત હતો, આ વખત ઈમ્તેહાન કે આજમાઈશ કરવાનો નહોતો, બલ્કે દરેક જરૃરી કામની વસિય્યત - ભલામણ કરવાનો હતો - ઉમ્મત માટે ભલાઈ કરી જવાનો હતો. જરાક વિચાર તો કરો, જે માણસ દમ તોડી રહ્યો હોય એને દિલ્લગી - મઝાક (પરિક્ષા કરવાની) સાથે ક્યો વાસ્તો!
પોતાના સંબંધીઓના જરૃરી કામોમાં એવું ધ્યાન હોય છે, એમાં પણ ખાસ કરીને જ્યારે મરનાર નબી હોય અને જેણે પોતાની આખી જીંદગીમાં ક્યારેય કોઈની પરિક્ષા કે પારખું ન લીધું હોય, એના છેલ્લા વખતે ઈમ્તેહાન લેવાની કેવી વાત!!
વળી, હુઝુર (સ.અ.વ.)એ ઘોંઘાટ કરનારાઓને 'કૂમૂ અન્ની- મારી પાસેથી ઉઠીને હાલતા થાવ.' કહીને કાઢી મુકવા, હુઝુર (સ.અ.વ.)એ આ લોકોને 'રાંદએ બારગાહ' કરવા (ધુત્કારી કાઢવા) એ ચોખ્ખો પુરાવો અને દલીલ છે કે, તેઓના વર્તનથી હુઝૂર (સ.અ.વ.)ને આઘાત લાગ્યો હતો. જો એઅતેરાઝ કરનારાઓનું માનવું સાચું હોત, તો રસૂલે ખુદા (સ.અ.વ.) તેમના કામને વખાણતે અને પોતાની ખુશી પ્રગટ કરતે. જો તમે હદીસની આગળ - પાછળ જુઓ, ખાસ કરીને એ લોકોના આ શબ્દો ઉપર વિચાર કરો-હજર રસુલુલ્લાહ - રસુલ (સ.અ.વ.) હિઝયાન બકે છે - તો આપને સમજાશે કે હ. ઉમર અને તેમના સમર્થકો સારી રીતે જાણતા હતા કે રસુલે મકબુલ (સ.અ.વ.) એવી વાત લખવા માગે છે કે જે તેમને ગમતી નહોતી. એટલે જ ઉપરોક્ત શબ્દ બોલીને હુઝુર (સ.અ.વ.)ને આઘાત પહોંચાડયો અને ખૂબ વિવાદ ચગાવવામાં આવ્યો.
જનાબે ઈબ્ને અબ્બાસનું આ બનાવને યાદ કરવું, ભારે રૃદન કરવું અને આ બનાવને એક મુસીબત ગણવી; એ પણ ઉપરોક્ત જવાબને ખોટો ઠેરવે છે.
બચાવ કરનારાઓ કહે છે કે હ. ઉમર મસ્લેહત સમજવામાં પારંગત હતા અને અલ્લાહ તરફથી એમના ઉપર ઈલ્હામ (પ્રેરણા) થતું હતું. આ એવો બચાવ છે કે જેને કોઈ પણ રીતે સ્વિકારી શકાય તેમ નથી. આ બચાવ - બહાનાથી તો એમ લાગે છે કે હ. ઉમરે જે રસ્તો લીધો તે સાચો વ્યાજબી હતો અને નઉઝોબિલ્લાહ રસુલ (સ.અ.વ.)નો માર્ગ સાચો નહોતો. વળી હ. ઉમર ઉપરનું એ દિવસનું 'ઈલ્હામ'(!) એ 'વહી'થી પણ વધારે સાચું હતું, જે રૃહુલ અમીન (જીબ્રઈલ) લઈને આવતા હતા!!
કેટલાક લોકોએ હ. ઉમરના બચાવમાં એમ કહ્યું છે કે, હ. ઉમર જનાબે રસુલે ખુદા (સ.અ.વ.)ની તકલીફ ઓછી કરવા માગતા હતા. માંદગીની હાલતમાં  રસુલ (સ.અ.વ.) કશું લખતે, તો તેમને કષ્ટ પડતે, અને હ. ઉમર આપ (સ.અ.વ.)નું કષ્ટ જોઈ શકતા નહોતા. પણ આપણે સારી રીતે જાણીએ છીએ કે લખાણ લખવાથી રસુલ (સ.અ.વ.)ના મનને શાંતિ થાત, હુઝૂર (સ.અ.વ.)ની આંખને ટાઢક થાત, ઉમ્મતની ગુમરાહીના અંદેશાથી આપ નચિંત થઈ જાત. રસુલ (સ.અ.વ.)ની માંગણી 'કાગળ અને કલમ' માટે હતી, આપની માંગણી વિરૃદ્ધનું કોઈનું પગલું સાચું નથી.
અલ્લાહનો ઈરશાદ છેઃ વ મા કાન લે મોઅમેનિંવ વ લા મોઅમેનતિન એઝા કઝલ્લાહો વ રસુલહુ અમ્રન અંય યકૂન લહોમુલ ખેયરતો મિન અમ્રેહિમ વ મંય યઅસિલ્લાહ વ રસૂલહુ ફકદ ઝલ્લ ઝલાલમ મોબીના.
અને કોઈ મોમિન પુરૃષ માટે કે કોઈ મોમિન સ્ત્રી માટે આ યોગ્ય નથી કે જ્યારે અલ્લાહ તથા તેનો રસુલ એક વાત નક્કી કરે તો પછી તેઓ તે બાબતમાં પોતાની મરજી મુજબ વર્તે; અને જે કોઈ અલ્લાહ તથા તેના રસુલની નાફરમાની કરશે, તો તે નિસંશય ખુલ્લી ગુમરાહીમાં પડશે.
(સુરએ બકરહ (૩૩), આયતઃ ૩૬)
હ. ઉમર અને તેમના હિમાયતીઓ તરફથી રસુલ (સ.અ.વ.)ના લખાણ લખવાનો વિરોધ કરવો, આ અગત્યના કામમાં અવરોધ નાખવો, રસુલે ખુદા (સ.અ.વ.) પાસે ઘોંઘાટ કરવો - ઝઘડો - ફસાદ કરવો; આ બધી બાબતો રસુલ (સ.અ.વ.) લખાણ લખે અને તકલીફ ઉપાડે એના કરતાં વધારે કષ્ટદાયક હતું.
વિચારવા જેવી વાત છે કે હ. ઉમર, રસુલે ખુદા (સ.અ.વ.) માંદગીની હાલતમાં લખાણ કરવાની તકલીફ ઉપાડે એ જોઈ ન શક્યા; પણ રસુલ (સ.અ.વ.) કાગળ કલમ માગે અને તેઓ ઝઘડવા માંડે અને રસુલ (સ.અ.વ.)ના કૌલને હિઝયાન પુરવાર કરવા મથી જાય! એમાં એમને કશો ક્ષોભ ન થયો!
જો લખાણ લખવામાં હઝરત રસુલ (સ.અ.વ.)ને કષ્ટ થતું હતું, તો હિઝયાનનું આળ સાંભળીને શું રાહત થઈ હશે?!!
હ. ઉમરના ટેકેદારો એક બચાવ એવો કરે છે કે હ. ઉમર સમજ્યા કે. કાગળ - કલમ ન લાવવા જ બેહતર છે. વાહ! વાહ! શું કહેવું આ બચાવનું! રસુલ (સ.અ.વ.) હુકમ આપે કે કાગળ - કલમ લાવો, ત્યારે કાગળ - કલમ ન લાવવા કઈ રીતે બહેતર થઈ જાશે?
શું હ. ઉમરનો એવો અકીદો હતો કે રસુલ (સ.અ.વ.) જે કામનો હુકમ આપે, તેને તર્ક કરવું બહેતર છે?
હ. ઉમરની સફાઈ - બચાવમાં કેટલાંકોએ એવું કહ્યું છે કે હ. ઉમરને ભય લાગ્યો કે રસુલ (સ.અ.વ.) ક્યાંક એવી વાત ન લખી નાખે કે જેના ઉપર લોકોથી અમલ ન થઈ શકે. અને એ કામ ન કરવાથી સજાને પાત્ર બને.
વિચારો તો ખરા, રસુલ (સ.અ.વ.)ના 'તમે ગુમરાહ નહિ થાવ,' શબ્દો હોવા પછી હ. ઉમરે ડરવું કેટલી હદે વ્યાજબી છે? શું હ. ઉમર રસુલે ખુદા (સ.અ.વ.)થી વધારે પરિણામથી માહિતગાર હતા, હબીબે ખુદાથી વધારે સાવચેતી ધરાવતા હતા?!!
વળી કેટલાંકોએ એવો બચાવ કર્યો છે કે હ. ઉમરને મુનાફીકો તરફથી અંદેશો હતો, કે તેઓ માંદગીની હાલતમાં લખાએલ લખાણની સત્યતા ઉપર વાંધો લેશે, પણ ખુદ રસુલ (સ.અ.વ.)એ લન તઝિલ્લુ બઅદી- મારા પછી ક્યારેય ગુમરાહ નહિ થાવ, કહીને સ્પષ્ટતા કરી દીધી હતી કે, હવે આવા કોઈ પણ અંદેશાની જરૃર નથી.
માની લઈએ કે હ. ઉમરને મુનાફિકો તરફથી અંદેશો હતો કે તેઓ લખાણની સત્યતા માટે વાંધો ઉપાડશે, તો પછી હ. ઉમરે પોતે જ તેઓ માટે કેમ ભૂમિકા તૈયાર કરી?
રસુલ (સ.અ.વ.)ની વાતનો જવાબ દઈને લખતાં અટકાવીને, હિઝયાનનું આળ મુકીને તેમણે ઈસ્લામના રસુલ અને ઈસ્લામની કઈ સેવા કરી છે?
હ. ઉમરના સમર્થકો હસ્બોના કિતાબુલ્લાહ (અમને અલ્લાહની કિતાબ કાફી છે.) શબ્દોના ટેકામાં કહે છે કે આ શબ્દોને કુરઆને મજીદનું પણ સમર્થન છે, અને તે આ આયત વડે મા ફર્રત્ના.... (અમે કોઈ પણ વસ્તુ કિતાબમાં (પડતી) મુકી નથી દીધી....) અને અલ્લાહનો ઈરશાદઃ અલ યવ્મ અકમલ્તો.... (આજે તમારો દીન સંપૂર્ણ કરી દીધો.) જો આ આયતોને  નજર સામે રાખીને હ. ઉમરે ઉપરના શબ્દો (હસ્બોના...) કહ્યા હોય, તો એમાં શું ખરાબ હતું?
હ. ઉમરના ટેકેદારોની ઉપરોક્ત દલીલ યોગ્ય નથી, તેમજ ન તેનાથી હ. ઉમરની વાતનું સમર્થન થાય છે. આ આયતોનો એવો અર્થ નથી થતો કે ઉમ્મત હંમેશ માટે ગુમરાહીથી બચી ગઈ છે. આ આયતો લોકોની હિદાયતની ઝમાનત નથી બનતી. પછી તેનો સહારો લઈ રસુલ (સ.અ.વ.)ના લખાણથી દૂર ભાગવું કેટલું વ્યાજબી છે?!
જો કુરઆનની મૌજુદગી ઉમ્મતની ગુમરાહી દૂર કરવાનું કારણરૃપ હોય, તો આજે અલ્હમ્દો લિલ્લાહ ઉમ્મત પાસે 'કુરઆન' મૌજુદ હોવા છતાં, ઉમ્મતમાં ગુમરાહી કેમ દેખાઈ રહી છે? અને કુરઆનની મૌજુદગીમાં ઉમ્મતમાં આટલા બધા ફિરકાઓ અને અફરાતફરી કેમ છે?
હ. ઉમરના બચાવમાં છેલ્લો જવાબ એ જ આપી શકાય છે કે, તેઓ આં હઝરત (સ.અ.વ.)ના ઈરશાદનો મતલબ નહોતા સમજ્યા, તેમની સમજમાં ન આવ્યું કે આ લખાણ ઉમ્મતની દરેક વ્યક્તિ માટે ગુમરાહીથી બચવાનું કારણ બનશે.
હ. ઉમર હુઝૂર (સ.અ.વ.)ના લન તઝિલ્લુ બઅદી શબ્દોનો એવો અર્થ સમજ્યા હતા કે, આપનું લખાણ ગુમરાહી ઉપર બધાનું એકત્ર ન થવાનું કારણ બનશે. આ લખાણથી ફાયદો એ થશે કે ઉમ્મત ગુમરાહી પર એકત્ર કે એકમત નહિ થાય. અને હ. ઉમરને તો પહેલેથી જાણ હતી કે ઉમ્મત ક્યારેય ગુમરાહી ઉપર એકત્ર નહિ થાય, એટલે લખાણ નિરર્થક છે. એટલે જ એમણે ઉપરોક્ત (હસ્બોનલ્લાહ...) જવાબ આપ્યો અને લખાણ લખવામાં અવરોધ ઉભો કર્યો.
આના જવાબમાં હું કહીશ કે, હ. ઉમર કંઈ એવા નાદાન નહોતા કે આ સૂર્યસમ પ્રકાશિત હદીસ - જેને દરેક નાનો - મોટો - શહેરી - ગામડિયો સમજી શકે છે - તે સમજ્યા ન હોય!! હ. ઉમર ખાત્રીપૂર્વક જાણતા હતા કે રસુલે મકબુલ (સ.અ.વ.)ને ઉમ્મતના ગુમરાહી ઉપર એકત્ર થવાનો ભય કે અંદેશો નથી, કેમકે હ. ઉમર રસુલ (સ.અ.વ.)ની આ હદીસ વારંવાર સાંભળી ચુક્યા હતા કે "મારી ઉમ્મત ગુમરાહી ઉપર એકત્ર નહિ થાય. મારી ઉમ્મતમાંનો એક વર્ગ હંમેશા હક - સત્યનો હિમાયતી રહેશે." વળી અલ્લાહનો આ ઈરશાદ પણ સાંભળ્યો હતો-
વઅદલ્લાહુલ લઝી આમનૂ મિન્કુમ વ અમેલુસ્સાલેહાતે લ યસ્તખ્લેફન્નહુમ ફીલ અર્ઝ કમસ તખ્લફલ લઝીન મિન કબ્લેહિમ... - તમારામાંથી જેઓ ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, તેમની સાથે અલ્લાહે વાયદો કર્યો છે કે તે તેઓને જમીન ઉપર ખલીફા બનાવશે, જે રીતે તેમની પહેલાનાઓને બનાવ્યા હતા....                                      (સુરએ હજ (૨૪)ઃ આયત  ૫૫)
આવી બીજી આયતો પણ કુરઆને મજીદમાં મૌજુદ છે. આજ રીતે આં હઝરત (સ.અ.વ.)ની આ ચોખ્ખી દીવા જેવી હદીસ પણ સાંભળી ચુક્યા હતા કે, 'ઉમ્મત ક્યારેય ગુમરાહી ઉપર એકત્ર - એકઠી નહિ થાય.'
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ નારાજી બતાવવી અને પોતાની પાસેથી કાઢી મુકવા, આ મજબુત દલીલ છે કે તેઓએ જે કામ તર્ક કર્યું હતું, તે કરવું 'વાજીબ' હતું - કાગળ - કલમ રસુલે ખુદા (સ.અ.વ.)એ માગ્યા હતા, તે લાવવા  જરૃરી હતા. તે ન લાવીને તેઓએ હુકમે રસુલ (સ.અ.વ.)નો વિરોધ કર્યો અને વાજીબ કાર્યને તર્ક કર્યું.
આપણે માની લઈએ કે આ કંઈક ગેરસમજના કારણે બન્યું હતું, તો આ સ્થિતિમાં રસુલે ખુદા (સ.અ.વ.)એ તેઓની શંકા - કુશંકા દૂર કરવી જોઈતી હતી - ગેરસમજનો ઉપાય કરવો જોઈતો હતો, અને તેઓને જે આજ્ઞા આપી હતી તેના ઉપર અમલ કરવાનો આગ્રહ રાખવો હતો, પણ હુઝુર (સ.અ.વ.)એ આવું કંઈ ન કરતાં કૂમુ અન્ની કહીને ઉભા કરી દીધા. આ વાત બતાવે છે કે રસુલ (સ.અ.વ.) જાણતા હતા કે હ. ઉમર પોતાની વાતનો વિરોધ ગેરસમજના કારણે નથી કરી રહ્યા, બલ્કે કોઈ 'બીજાજ' કારણે કરી રહ્યા છે, માટે જ આપે તેમને ઘરમાંથી બહાર કાઢી મુક્યા.
જનાબે ઈબ્ને અબ્બાસનું રડવું - ફરિયાદ અને આહો જારી કરવી; એ અમારી વાતનું સમર્થન કરે છે. ન્યાયની વાત તો એ છે કે હ. ઉમરની આ નોતરેલી ભારે મુસીબત છે, જેનો કશો બચાવ કરવાની ગુંજાઈશ નથી. હકીકત એ છે કે આ લોકોએ 'નસ્સ' (ઉઘાડી - સ્પષ્ટ વાત)ને અગત્યતા ન આપી અને એની સરખામણીમાં પોતાના 'ઈજતેહાદ'થી કામ લીધું!! જો 'નસ્સ'ના મુકાબલે કરવામાં આવેલ કાર્યને 'ઈજતેહાદ' કહી શકાતું હોય, તો ખરેખર એ લોકો 'મુજતહિદ' કહેવાય!
પણ અહિં અલ્લાહ અને રસુલ (સ.અ.વ.)ની 'નસ્સ' જુદી છે અને એ બુઝુર્ગોનો 'ઈજતેહાદી મત' જુદો છે.
ઉપરનો (અલ્લામા અબ્દુલહુસૈન શરફુદ્દીન આમિલીનો) પત્ર વાંચ્યા પછી શૈખુલ અઝહરે જે પત્ર લખ્યો તે આ મુજબ છે-
"આપે બચાવ - બહાના કરવાવાળાના બધાય બહાના ઉડાવી દીધા, તેઓ ઉપર બધાય રસ્તા બંધ કરી દીધા. આપે જે કંઈ કહ્યું, તેમાં શક કે શંકા કરવાની જરાય ગુંજાઈશ નથી..."
અમે એવા ઈજતેહાદને માનીએ છીએ કે જે 'નસ્સ'ના વર્તુળમાં રહીને કરવામાં આવે. અમે એવા કોઈ મત કે અભિપ્રાયને ઈજતેહાદ માનવા તૈયાર નથી કે જે સ્પષ્ટ - ઉઘાડી 'નસ્સ'ની વિરૃદ્ધમાં હોય.
આ કિતાબ 'રઝિય્યતો યવ્મિલ ખમીસ' (જુમેરાતની મુસીબત) લખાવનો હેતુ, ઈતિહાસમાં દફન થઈ ગયેલી અદાવતો - દુશ્મનીને ફરીથી જીવંત કરવાનો નથી, બલ્કે આ કિતાબ લખવાનો ઉદ્દેશ ઈતિહાસનું સાચું અવલોકન છે, જેથી ઈતિહાસના નિષ્પક્ષ અવલોકનથી ઈન્સાન સત્યના મૂળ સુધી પહોંચી શકે અને હિદાયતના કેન્દ્ર સુધી પહોંચવામાં મદદ મેળવી શકે.
અમે પૂર્વ અને પશ્ચિમમાં વસતા મુસલમાનોને આમંત્રણ આપીએ છીએ, આવો દીનના સાચા શિક્ષણને શોધી કાઢીએ અને એ મહાન હકીકતની શોધખોળ કરીએ જેના માટે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) આમંત્રણ દેતા હતા.
જો આપણે રસુલે આ'ઝમ (સ.અ.વ.)ની સીરત તથા તાલીમને માર્ગદર્શક બનાવી લેશું, તો ક્યારેય ગુમરાહ નહિ થઈએ.
આપણને પયગમ્બર (સ.અ.વ.)ના ઈત્તેબાઅ (તાબેદારી)ની જરૃર છે, આ સિવાય અમારે કોઈ ઝૈદ અને બકરના ઈજતેહાદની જરૃર નથી. એટલા માટે કે મુજતહિદથી ભુલ થવી શક્ય છે અને રસુલે આ'ઝમ (સ.અ.વ.)થી ભૂલ થવી અશક્ય છે - અસંભવિત છે.
આ તકે એમ કહેવું પણ યોગ્ય નથી કે, 'અમે શું કરીએ, અમારો જન્મ તો ઘણા વર્ષો પછી થયો છે. એટલે અમે ઈસ્લામી રૃહથી ઘણા દૂર પડી ગયા, તો એમાં અમારો શો વાંક છે, આ માટે અમે અમારા વાંચકોને બીજીવાર વિનંતી કરશું કે, આ સ્થિતિ હોવા છતાં આપણા પ્રયાસો પડતા મુકવા ન જોઈએ. કેમ કે આજે પશ્ચિમ આપણું નિકંદન કાઢવા માટે તત્પર છે. અને આપણે રોજ એનો કોળિયો બની રહ્યા છીએ. શું તમે વિચાર કર્યો કે આપણી નબળાઈનું મૂળભૂત કારણ શું છે?
હું માનું છું કે આપણી નબળાઈનું મૂળભુત કારણ એ છે કે આપણે ઈસ્લામને સાચી રીતે સમજવાની કોશિશ જ નથી કરી. આપણે એ દ્રષ્ટિબિંદુઓ અને વિચારસરણીને અપનાવ્યા છે જે આપણને લાભકર્તા લાગ્યા છે, આપણા સ્વાર્થ અને મસ્લેહતોને અનુકુળ લાગ્યા છે. આના બદલે આપણે જો સાચી ઈસ્લામી રૃહ - દીનના આત્માને સમજ્યા હોત, તો સામ્રાજ્યવાદી વરૃઓ આપણી ઉપર વર્ચસ્વ જમાવી ન શકતે.
માનનિય વાંચકો! મેં આ કિતાબ કોઈ શોહરત - નામના કે ખિતાબ મેળવવા માટે નથી લખી. આ કિતાબ લખવાનો પહેલો અને છેલ્લો ઉદ્દેશ ઈન્સાનોના દિમાગ સુધી સાચી ઐતિહાસિક હકીકતો પહોંચાડવાનોેે છે. કેમ કે ઈન્સાનોની એક બહુ મોટી સંખ્યા ઐતિહાસીક હકીકતથી વાકેફ નથી. અને આ હકીકતથી અજાણ હોવાનું કારણ એ છે કે દરેક યુગમાં હકીકતોને છુપાવવામાં આવી છે, તેના ઉપર મોટા મોટા પર્દા નાખવામાં આવ્યા છે, મૃગજળને 'જળ' બનાવવાની નિરર્થક કોશિશ કરવામાં આવી છે, સત્યને ભુંડી રીતે ચીતરવામાં આવ્યું છે, ખરાબ અને અશિષ્ટને ગીલીટ કરીને સારૃંને 'ચમકતું' બતાવવામાં આવ્યું છે.
એટલે જ બહુમતિને આજ સુધી સત્ય - અસત્યની પરખ નથી થઈ શકી, રહબર (માર્ગદર્શક) અને રહઝન (માર્ગભક્ષક) વચ્ચેનો ભેદ સમજી શકાયો નથી.
આ પરિસ્થિતિમાં અલ્લાહ ઉપર ભરોસો કરીને મેં ઐતિહાસિક સત્ય રજુ કરવાની હિમ્મત કરી છે. આશા રાખું છું કે, અલ્લાહ તઆલા સત્ય શોધકો માટે આ માહિતી ને માર્ગદર્શક બનાવે, અંધારી રાતમાં ઝળહળતી જ્યોત બનાવે.
અલ્લાહ તઆલા પાસે દુઆ છે કે, તે અમને મઅરેફતની નેઅમતથી નવાજે અને મઅરેફતવાળાઓમાં શામિલ કરે. અજ્ઞાનતા અને આંધળા અનુકરણથી બચાવે, અમારી ત્રુટિઓને માફ કરે, તે સાંભળનારો અને કબુલ કરનારો છે.
રબ્બના તકબ્બલ મિન્ના ઈન્નક અન્તસ
સમીઉલ અલીમ, વ તુબ અલયના અન્તત તવ્વાબુર રહીમ.
બે જાહે નબીય્ય વ અહલેબયતેહિત તાહેરીન

                 અલ્લાહુમ્મ સલ્લે અલા મોહમ્મદિંવ વ આલે મોહમ્મદ.

Comments powered by CComment