હઝરત અલી (અ.સ.)નું ખિલાફતથી વંચિત રહેવાનું એક બીજું કારણ

ઇતિહાસ
Typography
  • Smaller Small Medium Big Bigger
  • Default Helvetica Segoe Georgia Times

વફાતે હઝરતે રસુલ (સ.અ.વ.) અને હ. અબુબકરની ખિલાફતનો અહેવાલ તમે જાણ્યો. હવે આપણે જોઈએ કે હઝરત અલી (અ.સ.)ને ખિલાફતથી કેમ વંચિત રાખવામા આવ્યા? આનું એક અગત્યનું કારણ હાફિઝે કહ્યું છે, તેને અમે અમારા ન્યાયપ્રિય વાંચકો સામે રજુ કરીએ છીએ.


હઝરત અલી (અ.સ.)ના કુરૈશ સાથેના સંબંધો ઘણા ખરાબ હતા. કુરૈશ હઝરત અલી (અ.સ.) પ્રત્યે કીનો (દ્વેષ) રાખતા હતા. કેમ કે હઝરત અલી (અ.સ.)ના હાથે ઈસ્લામી જંગોમાં એમના બુઝુર્ગો કતલ થયા હતા. હઝરત અલી (અ.સ.)એ તેઓની શક્તિને નબળાઈમાં ફેરવી નાખી હતી. તેઓની બધી શાનો શૌકત - રોબ દમામ ધૂળ ભેગા કરી નાખ્યા હતા. તેઓના ઈસ્લામ સ્વિકાર કરવાથી દિલમાંની નફરત ખતમ નહોતી થઈ ગઈ.


આ સમજવા માટે માની લ્યો કે દાખલા તરીકે આપ વર્ષ - બે વર્ષ પહેલાં મુશ્રિક હો, એક મુસલમાન ઈસ્લામી જંગમાં આપના દિકરા અથવા ભાઈને કતલ કરી નાખ્યો હોય, થોડા દિવસ પછી આપ મુસલમાન થઈ જાવ, હવે સાચું કહેજો શું ઈસ્લામ સ્વિકાર કરતાની સાથે આપના દિલનો બધો દ્વેષ ખતમ થઈ જશે? શું મુસલમાન થયા પછી આપ આપના દીકરા અથવા ભાઈના કાતિલને ગળે વળગાડશો? આવું કરવું ઘણું ઘણું મુશ્કેલ છે. હા, આ ત્યારેજ શક્ય બને જ્યારે કે આપ દિલના ઉંડાણમાંથી - અંતરકરણપૂર્વક મુસલમાન થઈ ગયા હો.

જ્યારે આથી વિરૃદ્ધ મોટા ભાગના અરબોએ કાં તો કોઈના અનુકરણમાં ઈસ્લામ સ્વિકારેલો અથવા પોતાના કોઈ લાભાલાભને નજર સામે રાખીને ઈસ્લામ અંગીકાર કરેલો. કેટલાક પોતાની જાન બચાવવા માટે મુસલમાન થયેલા, તો કેટલાક પોતાના દુશ્મન કબીલાને માત કરવા - હરાવવા માટે મુસલમાન બનેલા. આ વાત ભુલવી ન જોઈએ કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ઝમાનામાં જેટલી લડાઈઓ થઈ, એમાં જેટલા કાફરો હઝરત અલી (અ.સ.)ના હાથે કે કોઈ બીજા મુસલમાનના હાથે મરાયા, તેમના વારિસોએ બધા જ કતલ માટે હઝરત અલી (અ.સ.)ને જ જવાબદાર લેખતા હતા. તેઓ હઝરત અલી (અ.સ.)ને પોતાના કાતિલ અને દુશ્મન ગણતા હતા. સંજોગ એવા થયા કે મરનાર કાફરોના વારિસોએ કારણવશાત ઈસ્લામ સ્વિકાર કરી લીધો, પરંતુ ઈસ્લામ સ્વિકાર્યા પછી પણ એમના દિલ સાફ નહોતા થયા.

હઝરત અલી (અ.સ.)ની દુશ્મની અને દ્વેષની આગ એમના દિલમાં સળગતી હતી. તેઓ હઝરત અલી (અ.સ.) પાસેથી બદલો લેવાની તક શોધ્યા કરતા હતા. હઝરત અલી (અ.સ.)ને ખિલાફતથી મહરૃમ કરીને બદલો લેવાનો આ પહેલો હપ્તો વસુલ કર્યો હતો અને આ જ દ્વેષભાવ કરબલામાં પુરી રીતે ખીલી ઉઠ્યો હતો. હઝરત અલી (અ.સ.)ના ખાનદાનને જે નિર્દયતાપૂર્વક કરબલામાં ભુખ્યા - પ્યાસા રાખીને કતલ કરવામાં આવ્યા તે આ બદલાની ભાવના જ હતી.૨૭


ઉમ્મતે ઈસ્લામના અગ્રણીઓમાં જો ઈન્સાફનો છાંટો પણ હોત, તો ખિલાફત અને બયઅતના પ્રશ્નને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના કફન - દફન થઈ જવા સુધી મુલતવી રાખતે. આજે દર્દે દિલ ધરાવનાર દરેક ઈન્સાન એ વિચારીને દુઃખી થાય છે કે જે મહાન હસ્તીની જા-નશીની માટે આટલી બધી ભાંજગડ થઈ, એની સાથેની મોહબ્બતનો હક એવી રીતે અદા કરવામાં આવ્યો કે એમનાજ જનાઝામાં શરીક ન થયા, એમના સોગવાર કુટુંબના માથા ઉપર હાથ રાખીને દિલાસો સુદ્ધાં ન આપ્યો. હુઝૂર (સ.અ.વ.)ની આંખ બંધ થતાં જ એ લાગણી - મોહબ્બત - દોસ્તી ક્યાં ચાલી ગઈ?


જ્યારે આથી વિરૃદ્ધ હઝરત અલી (અ.સ.)ને આં હઝરત (સ.અ.વ.) પ્રત્યે જે મોહબ્બત હતી તેનો તેઓએ હક અદા કર્યો. એમણે એ વખતે ખિલાફતને-હુકૂમતને એક બાજુ મુકી દઈ, હુઝૂર (સ.અ.વ.)ને કફન - દફન આપવું અગત્યનું સમજ્યું. આનાથી તેમના રાજકિય હરીફોએ ફાયદો ઉપાડ્યો. હઝરત અલી (અ.સ.) સુલેહ - શાંતિમાં માનનારા હતા. હઝરત અલી (અ.સ.)ની મહાનતાનો અંદાજો એના ઉપરથી આવી શકશે કે સકીફામાં સ્થપાયેલી હુકૂમત ઉપર પોતાનો હાથ ઉગામ્યો નથી. હઝરત અલી (અ.સ.) ઈસ્લામ અને કુરઆનના રક્ષણ કાજે ખામોશ રહી ગયા, બલ્કે જ્યાં ઈસ્લામ અને મુસલમાનોનું હિત જોતાં ત્યાં પોતાના કિમતી મશ્વેરા પણ આપતા હતા. હઝરત અલી (અ.સ.)એ આ સુલેહ - શાંતિની નિતિની વાત પોતાના ખુતબામાં આ રીતે દશાર્વી છે-


"અલ્લાહ તઆલાએ મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.)ને સમસ્ત વિશ્વ માટે એક આદર્શ માનવ બનાવીને મોકલ્યા હતા. જ્યારે તેમની વફાત થઈ ત્યારે મુસલમાનોએ ખિલાફત સંબંધે ઝઘડો કર્યો. ખુદાના સોગંદ મને સ્વપ્નેય નહોતું કે અરબો ખિલાફતને ખાનદાને રસુલ (સ.અ.વ.)થી અલગ પાડી દેશે. મેં ક્યારેય વિચાર્યું ય નહોતું કે લોકો મને મુકીને બીજા કોઈને હાકિમ બનાવી લેશે! જ્યારે મેં જોયું કે લોકો એક માણસની બયઅત કરી રહ્યા છે, તો મેં પણ એમની સાથે ઝઘડો કરવાનું ઉચિત ન માન્યું. કેમ કે હું જાણતો હતો કે, જો હું એમ કરીશ, તો લોકોની મોટી સંખ્યા ઈસ્લામને મુકી દેશે....
આ પરિસ્થિતિમાં મેં વિચાર્યું કે મારૃં અંગત નુકસાન ભલે થતું, પણ ઈસ્લામનું રક્ષણ કરવું જોઈએ. હું થોડાંક દિવસની હુકૂમત લઈને ઈસ્લામને નુકસાન કરવા નહોતો માગતો. કેમ કે હુકૂમત ન મળવાના સદમા કરતાં ઈસ્લામને થનાર નુકસાન વધારે આઘાતજનક હતું"૨૮


હઝરત અલી (અ.સ.)ની સુલેહ પસંદીનો પુરાવો આનાથી વધારે શું હોઈ શકે છે? તેમણે ત્રણ ખલીફાઓના ઝમાનામાં જો કોઈ મતભેદ કર્યો, તો તે માત્ર દીની કાર્યો વિશે જ હતો.

વિશ્વનો ઈતિહાસ હઝરત અલી (અ.સ.) જેવા શાંતિ - ચાહક માણસ રજુ કરવા માટે અશક્ત છે. કેમ કે હઝરત અલી (અ.સ.)એ પોતાનો અને પોતાની પત્નિના હકને છીનવાઈ જતો જોયો, છતાં તેને સહન કરી ઈસ્લામનું હિત નજર સામે રાખ્યું અને ઝઘડાથી દૂર રહ્યા. જનાબે ફાતેમા (અ.સ.)ને મીરાસ અને ફદક (ફિદક)ના હિબા - હકથી વંચિત કરવામાં આવ્યા. આ બધું થવા છતાં હઝરત અલી (અ.સ.)એ સુલેહ શાંતિ જાળવી રાખ્યા. આ સિવાય હ. અબુબકરની હુકૂમતના આરંભ કાળમાં હ. ઉમર પોતાના ગોઠિયાઓને લઈને હઝરત અલી (અ.સ.)ના દરવાજા ઉપર લાકડાં લઈને સળગાવવાના ઈરાદે આવ્યા હતા, તે દ્રષ્ય પણ જોવા મળ્યું! શું લોકોને આ ઐતિહાસિક ઘટનાઓ વર્ણવતા કે સત્ય હકીકતો લખતાં રોકી શકાશે?!!૨૯

Comments powered by CComment