અગાઉ લખેલ વાતનો સારાંશ એ છે કે હઝરત અલી (અ.સ.) સંપૂર્ણ રીતે ખિલાફતે - બિલા - ફસ્લને પાત્ર હતા - હકદાર હતા. કેમ કે હઝરત અલી (અ.સ.)નો હઝરત રસૂલે ઈસ્લામ અને ઈસ્લામ ધર્મ સાથે ગાઢ સંબંધ હતો. વળી ઈસ્લામ અને રસુલે ઈસ્લામ તેમને ખિલાફત અને ઈમામતને પાત્ર સમજતા પણ હતા.
જો આપણે એમ માની લઈએ કે સકીફએ બની સાઅદામાં મુસલમાનો હઝરત અલી (અ.સ.) સંબંધે આવી દલીલો આપત કે -
૧. હઝરત અલી (અ.સ.) રિસાલત મઆબના સૌથી નિકટના માણસ છે,
૨. હઝરત અલી (અ.સ.) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ખોળામાં ઉછેર પામ્યા છે,
૩. હિજરતની રાત્રે અમાનતોના 'અમીન' એ જ બનેલા છે,
૪. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ એમને પોતાના ભાઈ બનાવ્યા છે,
૫. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના જમાઈ છે,
૬. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)નો વંશ એમનાથી ચાલ્યો છે,
૭. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની બધી લડાઈઓમાં લશ્કરના સરદાર અને અલમદાર તેઓજ છે,
૮. તેઓ 'હારૃને મોહમ્મદી' છે,
૯. તેઓ શહરે ઈલ્મ - ઈલ્મનગરના દરવાજા છે,
૧૦. તેઓ હિકમત - બુદ્ધિના દ્વાર છે,
૧૧. નબીઓની સિફાતો ધરાવનારા છે,
૧૨. નૂરે નબીના ભાગીદાર છે,
૧૩. નબુવ્વતના મુરબ્બીના ફરઝંદ છે,
૧૪. એમનો જન્મ કાબામાં થયો છે,
૧૫. એમનું માથું ક્યારેય મૂર્તિઓ સામે નથી નમ્યું,
૧૬. એમની મોહબ્બત અજરે રિસાલત છે,
૧૭. મુબાહેલામાં ઈસ્લામની સચ્ચાઈના સાક્ષી છે,
૧૮. ચાદરે તત્હીરની તાહેર - પાક વ્યક્તિ છે,
૧૯. ઈલ્મુલ કિતાબના જાણકાર છે,
૨૦. પોતાનો પ્રાણ વેચીને અલ્લાહની મરજી ખરીદનારા છે.
જો આમ બનતે અને મુસલમાનો પોતાની હુકુમત અને સરદારી માટે હઝરત અલી (અ.સ.)ને ચૂંટી કાઢતે, તો વિખવાદ કે ફિરકાવાદનો જન્મ ન થાતે અને ઈસ્લામી ઈતિહાસ સોનેરી અક્ષરોમાં લખાતે.
ડોક્ટર તા-હા હુસૈને પોતાના વિષયને સારી રીતે ઈન્સાફ આપ્યો છે, તેઓ લખે છે-
"હઝરત અલી (અ.સ.) પોતાના સગપણ, સૌ પ્રથમ ઈસ્લામનો સ્વિકાર કરનારા, તેમની કુરબાનીઓ, તેમનું નિષ્કલંક ચારિત્ર્ય, દીન સાથેનો ગાઢ સંબંધ, કિતાબને સુન્નતનું ઈલ્મ અને મજબુત મનોબળના કારણે શંકા વગર ખિલાફતે બિલા ફસ્લના અધિકારી અને પાત્ર હતા."૨૩
ઈબ્ને હજરે અસ્કલાની હઝરત અલી (અ.સ.)ની મહત્વની વિશિષ્ઠતાઓ વર્ણવતા લખે છે-
"હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અનેક વિદ્વાનોના કથન અનુસાર 'મુસ્લિમે અવ્વલ' છે. તેઓ નબીએ અકરમ (સ.અ.વ.)ના ખોળામાં ઉછેર પામ્યા. કોઈ પણ પ્રસંગે હુઝુર (સ.અ.વ.)થી અલગ નથી થયા. ગઝવએ તબુક સિવાય બધીય લડાઈઓમાં ભાગ લીધો છે. ગઝવએ તબુકમાં પણ હઝરત રસુલ (સ.અ.વ.)ના હુકમથી મદીનામાં રહ્યા. આ પ્રસંગે રસુલ (સ.અ.વ.)એ ફરમાવ્યું હતું કે, અલી! શું તમે ખુશ નથી કે તમારો મરતબો મારી પાસે એવો છે જેવો મુસા (અ.સ.) પાસે હારૃન (અ.સ.)નો હતો, પણ મારા પછી કોઈ નબી આવનાર નથી.
ઘણીય લડાઈઓમાં હઝરત અલી (અ.સ.) ઈસ્લામી લશ્કરના 'અલમબરદાર' હતા. જ્યારે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ સહાબીઓ વચ્ચે ભાઈચારો સ્થાપ્યો ત્યારે હઝરત અલી (અ.સ.)ને પોતાના ભાઈ બનાવ્યા હતા. એમના અસંખ્ય ફઝાએલ છે. ઈમામ અહમદ બિન હમ્બલ કહે છે કે, કોઈ પણ સહાબી સંબંધે એટલી ફઝીલતની હદીસો નથી જેટલી હઝરત અલી (અ.સ.) માટે છે."૨૪
કેટલાક આલિમો કહે છે કે હઝરત અલી (અ.સ.)ના ફઝાએલની હદીસોનો પ્રચાર થવાનું એક કારણ એ છે કે બની ઉમય્યાના રાજકર્તાઓએ તેને છુપાવવા માટે બધા સાધનોનો ઉપયોગ કર્યો હતો, આથી હદીસોના હાફિઝોએ પોતાની દીની જવાબદારી સમજી તેનો બહોળો પ્રચાર અને પ્રસાર કર્યો.
આકાશે આજ દિન સુધી હઝરત અલી (અ.સ.) જેવો આલિમ અને મુફતી નથી જોયો. ખયબરની લડાઈમાં હુઝૂર (સ.અ.વ.)એ એઅલાન કર્યું હતું કે કાલે હું એને અલમ આપીશ કે જે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ને ચાહતો હશે અને અલ્લાહ તથા રસુલ તેને ચાહતા હશે, એના હાથે અલ્લાહ ખયબર ફતેહ કરાવશે. બીજા દિવસે આપે હઝરત અલી (અ.સ.)ને અલમ સોંપ્યો. હ. ઉમર કહેતા હતા કે મને ફક્ત એ જ દિવસે સરદારી મેળવવાની તમન્ના જાગી હતી. રિસાલત મઆબે એમને (હઝરત અલી (અ.સ.)ને) સુરએ બરાઅતની આયતો આપીને મોકલ્યા અને કહ્યું હતું કે, કુરઆની આયતોની તબ્લીગ હું કરી શકું છું અથવા એ માણસ કે જે મારા(માં)થી હોય.
આ ઉપરાંત આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું હતું કે, દુન્યા અને આખેરતમાં અલી (અ.સ.) મારો 'જા-નશીન' છે.
આપ (સ.અ.વ.)એ અલી (અ.સ.), ફાતેમા (સલા.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ને ચાદરમાં લઈને ફરમાવ્યું હતુંઃ ઈન્નમા યોરીદુલ્લાહો લે - યુઝહેબ અનકોમુર રિજ્સ અહલલ બયતે વ યોતહહેરોકુમ તત્હીરા - હે અહલેબયત! અલ્લાહનો બસ એ જ ઈરાદો છે કે તમારાથી 'રિજ્સ'ને દૂર રાખે, અને તમને એવા પાક - પાકીઝા રાખે જેવા પાક રાખવાનો હક છે.
હઝરત અલી (અ.સ.) હિજરતની રાત્રે રસુલે ખુદા (સ.અ.વ.)ની ચાદર ઓઢીને એમના બિછાના ઉપર સુતા હતા અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની જાન બચાવી હતી.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ તેમને કહ્યું હતુંઃ તમે મારા પછી દરેક મોમિનના સરદાર છો.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ મસ્જીદમાં ખુલતા બધા દરવાજા બંધ કરાવી દીધા હતા, પણ હઝરત અલી (અ.સ.)નો દરવાજો ખુલ્લો રહેવા દીધો હતો.
હઝરત રસુલે કરીમ (સ.અ.વ.)એ પલાણોનો મિમ્બર બનાવી લાખો માણસો સામે હઝરત અલી (અ.સ.)ને ઉંચા કરીને ફરમાવ્યું હતુંઃ મન કુન્તો મવલાહો ફ અલીય્યુન મવલાહ - જેનો હું મવલા છું તેનો અલી (અ.સ.) મૌલા છે.
અને જ્યારે આયએ મુબાહેલાઃ ફકુલ તઆલવ..... નાઝિલ થઈ, ત્યારે હુઝુર (સ.અ.વ.)એ અલી, ફાતેમા, હસન, હુસૈન (અ.સ.)ને બોલાવ્યા અને ફરમાવ્યુંઃ ખુદાવંદા! આ છે મારી અહલેબૈત.
ઈમામ તિરમિઝી ઈમરાન બિન હસીનથી રિવાયત કરે છે કે આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યુંઃ 'છેવટ તમે હઝરત અલી (અ.સ.)થી શું ચાહો છો, નિશંક અલી મારાથી છે અને હું અલીથી છું, તે મારા પછી દરેક મોમિનનો સરદાર છે.'
હવે અહિં ફરીથી એ જ સવાલ ઉદભવે છે કે આટઆટલી ફઝીલતો હોવા પછી પણ હઝરત અલી (અ.સ.) ખિલાફતથી મહરૃમ કેમ રહ્યા?
આ સવાલના જવાબ માટે આપણે વફાતે રસુલ (સ.અ.વ.) વખતની પરિસ્થિતી પર નજર નાખવી પડશે. અને સાથે એ પણ જોવું પડશે કે હઝરત અલી (અ.સ.) રસુલે ખુદા (સ.અ.વ.)ને કફન - દફન કરવા - નમાઝે જનાઝા અદા કરવા વગેરેમાં પ્રવૃત્ત (મશગુલ) રહ્યા, જ્યારે બીજી બાજુ તેમના રાજકિય હરીફો રસુલે ખુદા (સ.અ.વ.)ના જનાઝાને મુકી 'સકીફએ બની સાએદા'માં ચાલ્યા ગયા અને પોતાની ખિલાફત સ્થાપી દીધી.૨૫
હઝરત અલી (અ.સ.)ને ખિલાફતથી વંચિત રાખવાનું એક કારણ હ. ઉમરે એ આપ્યું કે અરબો એક જ કુટુંબમાં નબુવ્વત અને ખિલાફતનું એકત્ર થવું બરદાશ્ત - સહન કરી શકતે નહિ!!!
આ બનાવનો સાર એ છે કે, હિ ૧૧માં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) વફાત પામ્યા અને હઝરત અલી (અ.સ.) તેમના ગુસ્લ-કફન, નમાઝે જનાઝા તથા દફનવિધીના મહત્વના કામોને આટોપવામાં ગુંથાઈ ગયા. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘરની બહાર રાજકિય વાતાવરણ સ્ફોટક હતું, જેમાં સૌથી પહેલા ખલીફએ રસુલ (સ.અ.વ.)નો પ્રશ્ન હતો.
સઅદ બિન અબુ અબાદા, ઔસ અને ખઝરજના આગળ પડતા લોકોને લઈને સકીફામાં પહોંચી ગયા. હ. ઉમર અને અબુ ઉબૈદા મસ્જીદમાં ખિલાફતના પ્રશ્ન ઉપર ચર્ચા જુદી જુદી જગાએ સલાહ - મશ્વેરો કરી રહ્યા હતા.
આ બધી અચોક્કસ ઘડીઓ અને વાતાવરણમાં હઝરત અલી (અ.સ.) બધા ભય અને અંદેશાને એક બાજુએ મુકી હુઝૂર (સ.અ.વ.)ના દફન - કફનના કાર્યમાં મશ્ગુલ રહ્યા.
હ. અબુબકર વફાતે રસુલ (સ.અ.વ.)ના સમાચાર સાંભળી 'મોહલ્લએ સખ'થી રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘરે આવ્યા. ત્યાં હ. ઉમરને ઉઘાડી તલવારે દરવાજા ઉપર ઉભેલા જોયા. તેઓ લોકોને ડરાવી રહ્યા હતા કે જેણે વફાતે રસુલ (સ.અ.વ.)ની વાત કરી તેને કતલ કરી નાખીશ. હુઝુર (સ.અ.વ.)ની વફાત નથી થઈ. તેઓ પણ હઝરત ઈસા (અ.સ.)ની જેમ આસ્માન ઉપર ચાલ્યા ગયા છે, થોડાક દિવસો પછી પાછા આવશે અને મુનાફિકોના કાન-નાક કાપી નાખશે.
આ દુઃખદ બનાવના લીધે જાહેરી રીતે હ. ઉમર પોતાના હોશહવાસ ખોઈ બેઠા હતા. બરાબર એ જ વખતે કોઈએ તેમને 'સકીફા'ની કારવાહી વિશે ખબર આપી. અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ગમમાં હોશહવાસ ગુમાવી બેઠેલી વ્યક્તિ તુરત હોશમાં આવી ગઈ!!
તેમણે કોઈ માણસ દ્વારા હ. અબુબકરને સંદેશો મોકલ્યો કે હ. ઉમર તમારી સાથે એક અગત્યના કામ વિશે સલાહ - મત કરવા માગે છે.
સંદેશો મળતાં હ. અબુબકર ઘરમાંથી બહાર નીકળ્યા અને પછી બન્ને બુઝુર્ગો 'સકીફએ બની સાઅદા' તરફ જવા રવાના થયા. જ્યાં આગળ ઔસ અને ખઝરજના અગ્રણીઓ સઅદ બિન અબાદાને ખલીફા બનાવવાની ભાંજગડમાં પડ્યા હતા. પણ આ પરિસ્થિતીમાં હઝરત અલી (અ.સ.)એ એજ કામ કર્યું કે જે - તેમણે કરવું જોઈતું હતું એટલે કે હુઝૂર (સ.અ.વ.)ની અંતિમ વીધી.
હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના કાકા હ. અબ્બાસ વફાતે રસુલ (સ.અ.વ.)થી ઘણા ગમગીન થયેલા, આવી દુઃખભરી ઘડીઓમાંય તેમણે હઝરત અલી (અ.સ.)ની બયઅત કરવાનો નિર્ણય કર્યો હતો, જેને હઝરત અલી (અ.સ.)એ એમ કહીને રદ કરી નાખ્યો કે 'હજુ તો હઝરત રસુલે પાક (સ.અ.વ.)ની દફન ક્રિયા પણ થઈ નથી ને હું ખિલાફત માટેની બયઅત લઉં?'
અબુ સુફયાન ત્રણ વાર હઝરત અલી (અ.સ.) પાસે આવ્યો અને ખિલાફતનું સુકાન હાથમાં લેવા કહ્યું, તે સિવાય એમ પણ કહેવા લાગ્યો કે જો તમે કહો તો આ અણગમતી હુકુમતને ખતમ કરવા માટે મદીનાની શેરીઓને ઉંટ સવારો અને પાયદળથી ભરી દઉં, પણ હઝરત અલી (અ.સ.)એ તેના ઉપર રોષ પ્રગટ કરતા કહ્યુંઃ તમે ઈસ્લામના 'હમદર્દ' ક્યારથી બની ગયા? હવે તમે 'ખલીફાગર'નો (ખલીફા બનાવવાનો) રોલ ભજવવા માગો છો?!! ( આ બનાવ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાત પછી અમૂક દિવસો વીત્યા પછીનો છે.)
સકીફાની સભા જો કે અન્સારે ભરી હતી, પણ તેનો લાભ તેઓને મળ્યો નહિ.
આ સભાનો ટુંકો અહેવાલ આ મુજબ છે-
ઔસ અને ખઝરજ કબીલાના લોકો સકીફામાં જમા થયા. તેઓમાં સઅદ બિન અબાદા પણ હતા. સઅદ બિમાર હતા, તેઓ ઉંચા અવાજે બોલી શકતા નહોતા. તેમણે પોતાના પુત્રને કહ્યું, તમે મારી વાત સાંભળીને લોકોને સંભળાવતા રહો. દીકરો બાપના ધીમા અવાજે સંભળાએલા શબ્દો લોકોને મોટા સાદે સંભળાવતો રહ્યો.
સઅદે કહ્યુંઃ હે અન્સારો! દીનમાં તમારૃં સ્થાન ઘણું છે, ઈસ્લામમાં તમને ઘણી ફઝીલત મળેલી છે. આવી ફઝીલત પુરા અરબસ્તાનમાં કોઈ પણ કબીલાને નથી મળી. જનાબે હઝરત રસુલે ખુદા (સ.અવ..) કેટલાંય વર્ષો સુધી મક્કાવાસીઓને એક અલ્લાહની ઈબાદત કરવા અને મૂર્તિપૂજા મૂકી દેવા કહેતા રહ્યા, પણ થોડાંક માણસો સિવાય બાકીના બધાએ તેનો વિરોધ કર્યો. પરંતુ અલ્લાહે તમને આ સદ્ભાગ્ય આપ્યું કે પોતાના નબીને તમારી પાસે મોકલી દીધા અને અલ્લાહે દીનની મદદ-ઈસ્લામની સેવા માટે તમને ચુંટી કાઢ્યા. તમે દીનના દુશ્મનો માટે ભારે પુરવાર થયા. બીજા મુસલમાનોની સરખામણીમાં ઈસ્લામ માટે તમારી કુરબાનીઓ ઘણી છે. અલ્લાહે પોતાના હબીબને એવી સ્થિતિમાં મોત આપ્યું કે જ્યારે તે તમારાથી ખુશ અને રાજી હતા. પોતાને મજબુત બનાવો. બીજાની સરખામણીમાં હુકુમત માટે તમે વધારે હકદાર છો.
આ સમાચાર, રસુલે ખુદા (સ.અ.વ.)ના ગમમાં હોશકોશ ખોઈ બેઠેલા હ. ઉમરને મળ્યા. તેઓ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના દરવાજે આવ્યા, તુરત હ. અબુ બકરને બોલાવી લીધા અને બન્ને મિત્રો 'સકીફા' તરફ ઉપડી ગયા. ત્યાં હ. અબુબકરે લોકોને સંબોધીને કહ્યુંઃ
અમે મુહાજીરોએ સૌથી પહેલાં ઈસ્લામનો સ્વિકાર કર્યો છે અને અમે રસુલે ખુદા (સ.અ.વ.)ના ખાનદાનના છીએ. તમે લોકો અલ્લાહના દીનના મદદગાર છો અને કિતાબે ખુદા અનુસાર અમારા ભાઈ છો, દીનમાં અમારા શરીક છો, તમે અમને બધાય કરતાં વધારે વહાલા છો, માનવંત છો, તમે હંમેશા કુરબાની આપવાનું કામ કર્યું છે, અને હું હજુ પણ તમારી પાસેથી કુરબાનીની આશા રાખું છું, અત્યારે તમારી વચ્ચે અબુ ઉબૈદા અને ઉમર બિન ખત્તાબ હાજર છે. આ બન્નેમાંથી જેને ઈચ્છો તેની બયઅત કરી શકો છો હું આ બન્નેને આ કામને લાયક સમજું છું.
હ. ઉમર અને અબુ ઉબૈદાએ કહ્યુંઃ "તમારા હોવા પછી બીજો કોઈ ખિલાફત ઉપર આરૃઢ નથી થઈ શકતો. આપ જ ખિલાફતના હકદાર છો." આ વખતે અન્સારમાંથી હબાબ બિન મન્ઝરે ઉભા થાઈને કહ્યુંઃ
હે અન્સારોે! તમારી એકસંપી અને સંગઠનને મજબુત રાખો!. તમારી જ જમીન ઉપર ઉઘાડી રીતે - સ્વતંત્રતાપૂર્વક અલ્લાહની ઈબાદત થઈ શકી છે, તમે જ અલ્લાહના રસુલને આશ્રય આપ્યો છે, તમે જ એમની મદદ કરી હતી અને રસુલે ખુદા (સ.અ.વ.) હિજરત કરીને તમારી જ પાસે આવ્યા હતા. આમ છતાં આ લોકો તમારી હુકૂમત માટે રાજી ન હોય, તો એક અમીર આપણામાંથી અને એક એમનામાંથી થાય.
હ. ઉમરે કહ્યુંઃ આ અશક્ય છે.
બશીર બિન સઅદ ખઝરજીએ જોયું કે અન્સાર સઅદ બિન અબાદાને ખલીફા બનાવવા માગે છે, ત્યારે તેના દિમાગમાં ઔસ અને ખઝરજ કબીલાનો આંતર વિગ્રહ યાદ આવી ગયો. વળી તે સઅદને એટલા માટે નાપસંદ કરતો હતો કે 'સઅદ' ઔસ કબીલામાંથી હતા. બશીરે વિચાર્યું કે હુકૂમત ઔસ કબીલામાં જશે, તો તેના વંશજો માટે ગૌરવરૃપ બની જશે. અને એ 'ખઝરજ' કબીલાની નબળાઈ ગણાશે. એટલે તેણે વિચાર્યું કે ખિલાફત મારા કબીલામાં આમ પણ આવવાની નથી, તો પછી 'ઔસ' કબીલામાં પણ શા માટે જવા દેવી, શા માટે કોઈ મુહાજીરની હુકૂમત ન સ્વિકારી લેવી?
આવું વિચારીને તે ઉભો થયો અને હાજર રહેલાઓને સંબોધીને કહ્યુંઃ
હે અન્સારના ગરોહ! એ વાત સાચી કે આપણે ઈસ્લામની ખિદમત કરી છે, પરન્તુ આ હકીકતને પણ ભુલવી ન જોઈએ કે આપણી જેહાદ અને ઈસ્લામનો ધ્યેય માત્ર અલ્લાહની 'રેઝા' (ખુશ્નુદી) અને નબી (સ.અ.વ.)ની 'ઈતાઅત' હતી. મોહમ્મદે મુસ્તુફા (સ.અ.વ.)નો સંબંધ કુરૈશ સાથે હતો અને તેમની કૌમ જ તેમના વારસાની હકદાર છે, અલ્લાહથી ડરો - એમની સાથે ઝઘડો કરો નહીં.
હ. અબુબકર બોલ્યાઃ આ ઉમર છે - આ અબુ ઉબૈદા છે, આમાંથી તમે જેની ચાહો તેની બયઅત કરી લ્યો.
આ સાંભળી તેઓ બન્નેએ કહ્યુંઃ ખુદાના સોગંદ અમે તમારા ઉપર હુકૂમત નહિ કરીએ, તમે તમારો હાથ આપો અમે 'બયઅત' કરીએ છીએ.
હ. અબુબકરે હાથ લંબાવ્યો, હ. ઉમર અને અબુ ઉબૈદાથી પહેલાં 'બશીર બિન સઅદે' તેમની બયઅત કરી.
હબાબ બિન મન્ઝરે તેને ટોક્યો, અય નાફરમાન! અય કૌમના દુશ્મન બશીર! તેં આ બધું તારા પિત્રાઈની ઈર્ષામાં કર્યું છે.
ખઝરજના સરદાર બશીર બિન સઅદે બયઅત કર્યા પછી ઔસ કબીલાએ વિચાર્યું કે જો આપણે બયઅત કરવામાં પાછળ રહી જશું, તો ખઝરજ કબીલો હુકુમતમાં આગળ પડતો - માનીતોે થઈ જશે. માટે ઔસમાંથી ઉસૈદ બિન હુઝૈરે ખઝરજની હરીફાઈમાં અને સઅદ બિન અબાદાના વિરોધમાં બયઅત કરી. ત્યાર પછી તેના કબીલાએ પણ બયઅત કરી.
માંદા પડી ગયેલા સઅદ બિન અબાદાને ખાટલામાં નાખીને ઘરે લઈ ગયા. તેમણે જીવનના આખરી શ્વાસ સુધી 'બયઅત' કરી જ નહિ.
પછી સઅદ શામ ચાલ્યા ગયા અને હ. અબુબકરની ખિલાફતના છેલ્લા દિવસોમાં તેમને કતલ કરી નાખવામાં આવ્યા અને એવું મશ્હૂર કરવામાં આવ્યું કે રાતના અંધારામાં જીન્નાતે તીર મારીને હલાક કરી નાખ્યા. પરંતુ જાણકારો આને ખાલિદ બિન વલીદની કારસ્તાની માને છે.
આ બયઅત પછી બરાઅ બિન આઝિબ, નબીએ અકરમ (સ.અ.વ.)ના ઘરે આવ્યા. હજી સુધી રસુલ (સ.અ.વ.)ની દફન ક્રિયા થઈ નહોતી. તેમણે પહોંચતાની સાથે સમાચાર આપ્યા કે મેં મારી સગી આંખે હ. ઉમર અને અબુ ઉબૈદાને, રસ્તે ચાલતા દરેકનો હાથ પકડી હ. અબુબકરની બયઅત કરાવતા જોયા છે.૨૬
સકીફાની કારવાઈનું વિશ્લેષણ
અમે સકીફાની કારવાઈ જરા પણ કાપકુપ વગર વાંચકો સામે રજુ કરી દીધી છે. આ બનાવમાં હ. ઉમરનો જે ભાગ છે - તેમણે જે ભાગ ભજવ્યો છે તેનાથી કોઈ પણ બુદ્ધિશાળી આંખમીચામણાં નથી કરી શકતો.
૧. ખુદા ખાતર અમને કહો કે હ. ઉમર, રસુલે ખુદા (સ.અ.વ.)ના ઘરમાં તઅઝીયત - પુરસો આપવા કેમ ગયા નહિ? માની લઈએ કે તેમને હઝરત અલી (અ.સ.) અને અવલાદે અલી (અ.સ.) પ્રત્યે સહાનુભૂતિ નહોતી, તો પણ આ ભારે આઘાતજનક પ્રસંગે ઓછામાં ઓેછું પોતાની બેવા દીકરી (હ. હફસા)ના માથે હાથ મૂકીને દિલાસો આપવા તો જવું હતું. અને ગયા હોત તો રસુલે ખુદા (સ.અ.વ.)ની કફન-દફન ક્રિયામાં ભાગ લેવાનું સદ્ભાગ્ય પણ મળત.
૨. તેઓ ગમગીન ખાનદાને રસુલને દિલાસો આપવા માગતા નહોતા, તો કંઈ નહિ; પણ જ્યારે ઔસ અને ખઝરજ કબીલાની સભાના સમાચાર જાણ્યા, ત્યારે હ. અબુબકરને બોલાવવા માટે જાતે અંદર ચાલ્યા ગયા હોત.
૩. પોતે અંદર જવાને બદલે હ. અબુબકરને બોલાવવા માટે માણસને કેમ મોકલ્યો? અને દરવાજે ઉભા રહેવાનું કેમ પસંદ કર્યું?
૪. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના ગમઝદા કુટુંબીઓ પાસે એ વખતે બીજા અસહાબો પણ હશે, એમાંથી કોઈને નહિ, અને માત્ર હ. અબુબકરને જ સલાહ - મશ્વરા માટે કેમ બોલાવ્યા?
૫. એની ચોખવટ થવી જરૃરી છે કે હ. અબુબકરનું ઘરની અંદર હોવું અને હ. ઉમરનું દરવાજા ઉપર ઉભા રહેવું એ માત્ર અકસ્માત હતો કે પછી 'પહેલેથી નક્કી કરી રાખેલી યોજના'નો એક ભાગ હતો?
૬. હ. અબુબકરના આવ્યા પહેલાં હ. ઉમર અને અબુ ઉબૈદા વચ્ચે જે વાત થઈ હતી તેમાં ક્યા મુદ્દાઓ ઉપર એકમતી - સહમતી થઈ હતી?
૭. હ. અબુબકરે સકીફામાં મુહાજેરીનની જે ફઝીલતો બયાન કરી, તેમાં બધાય મુહાજીરોનો સમાવેશ થતો હતો કે માત્ર હ. ઉમર અને અબુ ઉબૈદા જ આ ફઝીલત ધરાવતા હતા?
૮. હ. અબુબકરે મુહાજીરીન ખિલાફતના અધિકારી હોવા માટે બે વાતો રજુ કરી-
(અ) તેઓને ઈસ્લામ સ્વિકાર કરવામાં પ્રથમ હોવાનું સ્થાન છે.
(બ) તેઓ હુઝુર (સ.અ.વ.)ના ખાનદાનના છે.
જો ઉપરની બે વાતો જ ખિલાફતના હકદાર હોવાની દલીલ છે- ખિલાફતના અધિકારી હોવાનું ધોરણ છે, તો આ ધોરણ અને આ દલીલના આધારે હઝરત અલી (અ.સ.) સૌથી વધારે હકદાર ઠરે છે, કેમ કે તેઓ-
(અ) ઈસ્લામનો સૌ પ્રથમ સ્વિકાર કરનાર માન્ય સિદ્ધ વ્યક્તિ છે.
(બ) હ. અબુબકર કરતાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના વધારે નિકટના સગા છે.
આ પછી એવું ક્યું કારણ છે કે હ. અબુબકરે બયાન કરેલ ધોરણ પ્રમાણે હઝરત અલી (અ.સ.)ને ખિલાફતના હકદાર ન માનવામાં આવ્યા?
૯. જો ખિલાફત મુહાજેરીનનો જ હક હોય, તો હ. અબુબકરે મુહાજીરોમાંથી માત્ર બે જ - હ. ઉમર અને અબુ ઉબૈદાના - નામો કેમ રજુ કર્યા?
ઉપરોક્ત નામો 'ખાસ પ્રકારે' રજુ કરવાનું કોઈ કારણ કહેશો? શું આ અગત્યતા કશા કારણ વગરની તો નહોતીને?
૧૦. જો ખિલાફતને મુહાજીર પુરતી મર્યાદિત રાખવી હતી, તો હ. અબુઅબકરે અન્સારને એમ કેમ ન કહ્યું કે મુહાજીરમાંથી જેને ચાહો અમીર બનાવી લ્યો, આમ શા માટે ન કરવામાં આવ્યું?
૧૧. મુહાજીરોમાંથી માત્ર બે જ વ્યક્તિના નામો રજુ કરવા પાછળ ક્યો ઉદ્દેશ હતો? સંશોધકોને માટે આ ભેદ બતાવવામાં આવશે?
૧૨. હ. ઉમર અને અબુ ઉબૈદાએ આ રજુઆતને શા માટે રદ કરી નાખી? તેઓએ હ. અબુબકરની ખિલાફતને કેમ અગત્યતા આપી? આનું કોઈ બુદ્ધિયુક્ત કારણ આપવામાં આવે.
૧૩. સકીફાની કારવાઈનો ઘટનાક્રમ અચાનક ગોઠવાઈ ગયો કે પહેલેથી યોજનાપૂર્વકનો હતો? ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે આનું જાણવું ઘણું જરૃરી છે. એહલે સુન્નતના આલિમોને વિનંતી છે કે આનો સંતોષકારક જવાબ આપે.
૧૪. શું સકીફાની કારવાઈ અને ઓસામાના લશ્કરને આપસામાં કશો સંબંધ છે? હ. ઉમર અને અબુ ઉબૈદાએ મસ્જીદમાં બેસીને જે સલાહમત કર્યા હતા તેની સાથે સકીફાની કારવાઈને સંબંધ છે?
હ. અબુબકરના સંગાથમાં બંને વિભૂતિઓ (હ. ઉમર અને અબુ ઉબૈદા) સકીફા જવા રવાના થયા હતા, તો શું આ 'સંગાથ' સકીફાની સફળતાનું સાધન નહોતો બન્યો?
૧૫. જ્યારે આ 'થોડાક' માણસો સકીફામાં એકઠા થયા હતા ત્યારે બીજા મુહાજીરો ક્યાં હતા?
૧૬. ઔસ અને ખઝરજ કબીલાની પુરાની શત્રુતા - જુની અદાવત સકીફામાં પ્રગટ થઈ હતી, તો શું આ કોઈ અકસ્માત હતો કે તેને ભડકાવવામાં પર્દા પાછળ કોઈ છુપા હાથ કામ કરી રહ્યા હતા?
૧૭. જો આ શત્રુતાને ભડકાવવા માટે કોઈ છુપા હાથ હતા, તો એ છુપા હાથ ક્યા હતા, એના તરફ ઈશારો કરશો?
૧૮. શું ખલીફો મુકર્રર કરવો - ચુંટી કાઢવાનું કામ હઝરત રસુલ (સ.અ.વ.)ની દફન ક્રિયા કરવા કરતાં વધારે જરૃરી હતું?
૧૯. શું હ. અબુબકર મુસલમાનોને, હઝરત રસુલ (સ.અ.વ.)ની દફન વીધી થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ નહોતા આપી શકતા? છેવટે તેમને આટલી ઉતાવળ કરવાની શી જરૃર હતી? હજુ અલ્લાહના આખરી પયગમ્બર - જે સગપણમાં એમના 'જમાઈ' પણ હતા - દફન નહોતા થયા, ઓછામાં ઓછું એમના દફન થવાની તો રાહ જોવી હતી. આટલી બધી ઉતાવળ કરીને તેમણે પોતાના 'જમાઈ' પ્રત્યેની મોહબ્બતનો હક અદા કરવામાં ચુક નથી કરી?
૨૦. શું સકીફાની આ ગુંચવણભરી કારવાઈ, કાગળને કલમ માગવાનો બનાવ અને ઓસામાના લશ્કરનો પ્રસંગ, આ ત્રણેય વચ્ચે કોઈ સંબંધ તો નથીને?
ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે ઉપરના બધાય સવાલોના જવાબો મળવા ઘણા જરૃરી છે. મારો પોતાનો અંગત મત એ છે કે આ બધામાં હ. ઉમરનો કેન્દ્રિય (મહત્વનો - મુખ્ય) ભાગ છે, તેમણે બધામાં કેન્દ્રબિંદુ બની 'રોલ' અદા કર્યા છે. એમણે જ અબુ ઉબૈદા સાથે અગાઉથી સલાહ - મશ્વેરા કરી લીધેલા અને એક યોજના ઘડી કાઢેલી, જેને પુરી કરવા માટે હ. અબુબકરને બોલાવવામાં આવેલા અને જતાં જતાં રસ્તામાં ઈસ્લામના આ 'ચાંદ તારાઓ'એ યોજનાની પેટા વાતો નક્કી કરી લીધી હતી.
આજ કારણ છે કે હ. અબુબકર આ બેજ વ્યક્તિઓ (હ. ઉમર અને અબુ ઉબૈદા)ના નામ રજુ કરતા હતા અને આ બન્ને 'બુઝુર્ગો' હ. અબુબકરનું નામ રજુ કરતા હતા.
તો શું સમસ્ત ઈસ્લામી ઉમ્મતે તેઓને પોતાના પ્રતિનિધી બનાવીને સકીફામાં મોકલ્યા હતા, જ્યારે ખરી વાત એ છે કે સકીફાની સભામાં ઉમ્મતના લોકોની નામ પુરતીય હાજરી નહોતી.
આટલી ઓછામાં ઓછી સંખ્યાને - ચંદ માણસોને ઈસ્લામનું ભાવિ નક્કી કરવાની રજા કોણે આપી હતી?
આ તો સિદ્ધ થયેલી હકીકત છે કે જ્યારે હ. અબુબકરને બોલાવવામાં આવ્યા ત્યારે ન તો તેના પહેલા કે ન પછી કોઈ મુસલમાનને પુછવામાં આવ્યું હતું કે ઈસ્લામની કયાદત - આગેવાની માટે કઈ વ્યક્તિ વધારે યોગ્ય છે? સકીફાની પુરી કારવાઈને એક અકસ્માત - અચાનક રૃપે ગણીને (આકસ્મિક બનાવ સમજીને) કાઢી નાખવો કે નજર અંદાઝ કરવો તે નામુમકીન અને અશક્ય છે. આ એક ગણત્રીપૂર્વકની યોજના હતી, અને યોજના બદ્ધ 'ચાલ' હતી, જેમાં હ. ઉમરનો મુખ્ય હિસ્સો છે.
સકીફા ની કાર્યવાહી
Typography
- Smaller Small Medium Big Bigger
- Default Helvetica Segoe Georgia Times
- Reading Mode
Comments powered by CComment